<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

વલસાડ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત પરિવારોની વ્હારે

જરૂરિયાતમંદ પરિવારોને ભગવાન ઓધવરામની પ્રસાદી રૂપે બનતી તમામ આર્થિક સહાય અને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે.ભારે વરસાદ અને પ્રચંડ પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભયભીત અને મુશ્કેલીભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેમાં અનેક પરિવારો અને વેપારીઓની દુકાનોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ વિકટ પરિસ્થિતિમાં માનવતાની મહેક ફેલાવતા વલસાડ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત પરિવારોની વ્હારે આવ્યું  છે.

 

ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામજીના દિવ્ય આશીર્વાદ અને પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી વલસાડ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળના સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્વ.અરવિંદભાઈ કલ્યાણજી ગજરા પરિવારના સંપૂર્ણ સહયોગથી, ટ્રસ્ટના હોદ્દેદારોએ જ્ઞાતિના પ્રત્યેક નાના-મોટા પરિવારના ઘરે અને દુકાને રૂબરૂ જઈને તેમની ખબર અંતર પૂછ્યા હતા.

આ મુલાકાત દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને ભગવાન ઓધવરામની પ્રસાદી રૂપે બનતી તમામ આર્થિક સહાય અને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. વલસાડ કચ્છી ભાનુશાલી મિત્રમંડળના સભ્યોનું કહેવું છે કે, અગાઉ કાશ્મીર નગરના રહેવાસીઓ માટે જનરેટર સુવિધા અને કીટ વિતરણ પણ કરવામાં આવ્યા છે, જેથી સમાજનો પ્રત્યેક નાગરિક આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે

આકાશી આપત્તિના આ સમયમાં કચ્છી ભાનુશાલી સમાજ હંમેશાં ખડેપગે ઊભો રહીને દરેક જ્ઞાતિજનોની પડખે રહ્યો છે અને આગળ પણ જરૂરિયાત મુજબ સહાય અપાશે. જો કોઈ પરિવાર સહાય મેળવવાથી વંચિત રહી ગયો હોય, તો તેઓ સમાજના પ્રતિનિધિઓનો સંપર્ક સાધી શકે છે જેથી તેમને પણ યોગ્ય મદદ પહોંચાડી શકાય.

 

(5:17 PM IST)