હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વંદે ભારત એક્સપ્રેસ ફરી બની જીવનરક્ષક : સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળતાપૂર્વક કરાયું ઝડપી ટ્રાન્સપોર્ટેશન
સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલથી લાવવામાં આવેલું હૃદય ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડાયું : ત્રીજી વખત વંદે ભારતે ઈમરજન્સી મેડિકલ સેવામાં ભજવી મહત્વની ભૂમિકા

અમદાવાદ: ભારતીય રેલવેએ ફરી એકવાર માનવતા અને જીવન સુરક્ષાની મિશાલ કાયમ કરતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદય (Live Heart) નું સફળતાપૂર્વક ઝડપી ટ્રાન્સપોર્ટેશન કર્યું છે. તા. ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને અત્યંત સુરક્ષિત રીતે સમયસર પહોંચાડવામાં આવ્યું હતું.
આ સંવેદનશીલ મિશન અંતર્ગત સુરત રેલવે સ્ટેશનેથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતનું આ જીવંત હૃદય મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર સી-૧૨ (C-12) માં સલામત રીતે ચઢાવવામાં આવ્યું હતું. ટ્રેન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર પહોંચતાની સાથે જ રેલવેના વાણિજ્ય વિભાગ, આરપીએફ (RPF), જીઆરપી (GRP) અને રાજ્ય પોલીસના સંયુક્ત સહયોગથી તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને રેકોર્ડ સમયમાં હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવશે.
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસનો જીવંત હૃદયના ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ બાબત સાબિત કરે છે કે ભારતીય રેલવેની આધુનિક અને સમયબદ્ધ સેવાઓ માત્ર મુસાફરોની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીની તબીબી સેવાઓમાં પણ તે સંજીવની સમાન સાબિત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હૃદય પ્રત્યારોપણની પ્રક્રિયામાં અંગદાનથી લઈને ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અત્યંત નિર્ણાયક હોય છે. તબીબી દ્રષ્ટિએ ડોનર હૃદયને ચોક્કસ સમયમર્યાદામાં દર્દીના શરીરમાં પ્રત્યારોપિત કરવું અનિવાર્ય હોય છે, જેમાં વંદે ભારત જેવી હાઇ-સ્પીડ ટ્રેનો મહત્વનો ભાગ ભજવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા સંબંધિત હોસ્પિટલો, તબીબી ટીમો, રાજ્ય પોલીસ અને રેલવેના કર્મચારીઓ વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન સાધીને આ ભગીરથ કાર્ય સફળ બનાવાયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
