<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી‘વંદે ભારત ટ્રેન’ મુસાફરો માટે એક દિવસ માટે ‘યોગ કોચ’ માં ફેરવાઈ

પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશ પોતે મુસાફરોની વચ્ચે ટ્રેનમાં બેસીને ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો : રેલવેના ઉચ્ચ અધિકારીને પોતાની સાથે યોગ કરતા જોઈને મુસાફરોનો ઉત્સાહ બમણો થઈ ગયો

અમદાવાદ :વિશ્વભરમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં રેલવે મુસાફરી દરમિયાન એક અત્યંત અનોખો અને પ્રેરણાદાયી નજારો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણાથી દેશમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે વંદે ભારત ટ્રેનમાં એક વિશિષ્ટ યોગ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી દેશની પ્રીમિયમ સેમી-હાઈસ્પીડ ‘વંદે ભારત ટ્રેન’ મુસાફરો માટે એક દિવસ માટે ‘યોગ કોચ’ માં ફેરવાઈ ગઈ હતી.

ટ્રેન જ્યારે પોતાની નિર્ધારિત ગતિએ પાટા પર દોડી રહી હતી, ત્યારે તેની અંદર મુસાફરોને એક તદ્દન નવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે ટ્રેનમાં હાજર પ્રોફેશનલ યોગ ટ્રેનર દ્વારા મુસાફરોને તેમની સીટ પર બેઠા બેઠા અથવા મર્યાદિત જગ્યામાં સરળતાથી થઈ શકે તેવા વિવિધ આસનો, પ્રાણાયામ અને શ્વાસની ક્રિયાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ ટ્રેનરે દોડતી ટ્રેનમાં પણ કેવી રીતે સંતુલન જાળવીને હળવી કસરતો કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા તમામ વયજૂથના મુસાફરો આ અનોખા કાર્યક્રમથી અત્યંત પ્રભાવિત થયા હતા. મુસાફરોએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના મોટી સંખ્યામાં આ પહેલમાં ભાગ લીધો હતો અને ભારે ઉત્સાહ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અનેક મુસાફરોએ આ અભિગમને આવકારતા જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે મુસાફરી દરમિયાન લાંબા સમય સુધી બેસી રહેવાથી થાક લાગતો હોય છે, પરંતુ દોડતી ટ્રેનમાં યોગ કરવાથી સફરની સાથે સ્વાસ્થ્યની પણ અદભુત કાળજી લેવાઈ છે." મુસાફરોએ મુસાફરી દરમિયાન પણ દેશના નાગરિકો સ્વસ્થ રહે તેવા ઉત્તમ પ્રયાસો કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમનું આકર્ષણ ત્યારે વધુ વધી ગયું જ્યારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશ પોતે પણ આ અનોખી ઉજવણીનો હિસ્સો બન્યા હતા. તેમણે મુસાફરોની વચ્ચે ટ્રેનમાં બેસીને ઉત્સાહપૂર્વક યોગાભ્યાસ કર્યો હતો. રેલવેના ઉચ્ચ અધિકારીને પોતાની સાથે યોગ કરતા જોઈને મુસાફરોનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. સમગ્ર ટ્રેનનું વાતાવરણ સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્યમય ચેતનાથી ભરાઈ ગયું હતું.રેલવે વિભાગ અને સરકારની આ અનોખી પહેલ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે અને લોકો દોડતી વંદે ભારતમાં થયેલા આ યોગાભ્યાસના વિડીયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

(7:36 PM IST)