તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th October 2026
રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
દેવભૂમિ દ્વારકા, ખેડા અને ધ્રાંગધ્રામાં ઉત્સાહભેર સેવાકીય પ્રકલ્પો યોજાયા

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'જનસેવાથી દેશસેવા'ના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વ્યાપકપણે સેવાકીય અને જનભાગીદારી આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પારદર્શી રીતે પહોંચાડવાના સ્પષ્ટ અભિગમ સાથે આ અભિયાન આગળ વધી રહ્યું છે. આ જ શૃંખલાના ભાગરૂપે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા, ખેડા જિલ્લા અને ધ્રાંગધ્રામાં સ્થાનિક નાગરિકો અને પદાધિકારીઓની સક્રિય ઉપસ્થિતિમાં પ્રેરણાદાયી કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ-દ્વારકા તાલુકાના વસઈ ગામે 'સેવા સેતુ ૨.૧' અંતર્ગત વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને પોતાના આંગણે જ સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ સ્ટોલ્સ ઊભા કરીને જાતિના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો, પી.એમ.જે.વાય. કાર્ડ અને જન ધન બેંક એકાઉન્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આયોજિત 'સેવા સેતુ' કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશ કુમાર તડવી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનભાઈ ચૌહાણે સેવા સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા કરી નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ જ અભિયાન અંતર્ગત નડિયાદના પેટલાદ રોડ સ્થિત સંતરામ કન્યા આદિવાસી છાત્રાલય ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કન્યાઓને ભોજન પીરસીને તેમની સાથે શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ અંગે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો.
જ્યારે સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં આવેલા સંસ્કારધામ ખાતે પર્યાવરણ જતન અને સામાજિક એકતાની ભાવના ઉજાગર કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ શાળાઓના ૧૨૫૦થી વધુ બાળકો અને સ્થાનિક નાગરિકો અનુશાસનબદ્ધ રીતે જોડાયા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લા મેદાનમાં વિશાળ માનવ સાંકળ અને વિવિધ આકૃતિઓ રચીને પૃથ્વીનું રક્ષણ તેમજ પર્યાવરણની જાળવણીનો એકતાપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી, પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
