<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

વસાવા લીલાબેન, પૂર્વ સંગઠન ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લાનાઓએ ગાંધીનગર પ્રવાસ અંગે ચોખવટ કરી

સોશિયલ મીડિયામાં ફરતા પત્ર એ લીલાબેન વસાવાના રાજીનામા અંગે ચોખવટ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વસાવા લીલાબેન, પૂર્વ સંગઠન ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લાનાઓના નામથી સોશિયલ મીડિયા ફરતા પત્રમા જણાવ્યું કે મારા રાજીનામા બાદ સોશિયલ મીડિયામાં તથા અન્ય માધ્યમો દ્વારા મારા નામે કેટલીક ભ્રામક અને હકીકતથી વિપરીત માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. તેથી સાચી હકીકત જનતા સમક્ષ મૂકવી જરૂરી સમજું છું.મારા રાજીનામા બાદ મને જિલ્લા સંગઠન પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમે ગાંધીનગર આવો, તમારા પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે. તે વિશ્વાસના આધારે હું તેમની તથા અન્ય કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર ગઈ હતી.
પરંતુ ત્યાં પહોંચ્યા બાદ મારી મુલાકાત માત્ર આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાથે થઈ હતી. અન્ય કોઈ મંત્રીશ્રી કે નેતા સાથે મારી મુલાકાત થઈ નથી. તેમજ સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ કોઈપણ અન્ય મંત્રી સાથે મારી ટેલિફોનિક વાતચીત પણ થઈ નથી.મને માત્ર એટલું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સોમવારે ફરી આવજો, આગળની બેઠક કરાવીશું. તે સિવાય હાલ સુધીમાં મારા કે ખેડૂતોના પ્રશ્નો અંગે કોઈ અંતિમ નિર્ણય કે વાસ્તવિક નિરાકરણ આવ્યું નથી.
વધુમાં મને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવતીકાલથી તમે જંગલમાં જજો, હવે કોઈ રોકટોક નહીં હોય, પોલીસ પણ હટાવી દેવામાં આવશે અને તમે ખેતી કરી શકશો. પરંતુ દુઃખની વાત છે કે આજે પણ જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને ખેડૂતોની સ્થિતિ યથાવત છે.
આથી હું જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી નીલભાઈ રાવ તથા અન્ય તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું છું કે મારા નામે અથવા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અંગે અતિશયોક્તિપૂર્ણ અથવા ખોટી માહિતી જનતા સમક્ષ રજૂ ન કરે. આવી માહિતીથી ખેડૂતોમાં ખોટી આશા જન્મે છે અને જનતાનો વિશ્વાસ પણ ઘટે છે.
મારો સંઘર્ષ કોઈ વ્યક્તિ કે પદ સામે નથી. મારો સંઘર્ષ માત્ર આદિવાસી સમાજ અને જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના અધિકારો માટે છે.જ્યાં સુધી ખેડૂતોને તેમના હક્ક અને અધિકારો વાસ્તવિક રીતે પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી મારો કોઈપણ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. હું હંમેશાની જેમ ખેડૂતો અને આદિવાસી સમાજના ન્યાય માટે અડગ રહીશ તેમ પત્ર મા લખ્યું છે

(9:45 PM IST)