<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાએ દિવાળીના પર્વની જવાનો સાથે ઉજવણી કરી:નડેશ્વરી માતાજીના દર્શન કર્યા.

તેમણે ભારત-પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે પહોંચીને દેશની સુરક્ષામાં ખડેપગે તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી

વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાએ આ વર્ષે દિવાળીના પર્વની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમણે ભારત-પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે પહોંચીને દેશની સુરક્ષામાં ખડેપગે તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી.

દિવાળી જેવા મોટા તહેવાર પર જ્યારે સમગ્ર દેશ પોતાના ઘરમાં રોશની અને ઉત્સવ મનાવી રહ્યો હોય છે, ત્યારે દેશની સરહદો પર તૈનાત જવાનો પોતાના ઘર-પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને દેશની રક્ષા કાજે કડક પહેરો આપે છે. જવાનોની આ અવિરત સેવા અને સમર્પણ ભાવનાને બિરદાવવા તેમજ તેમનો ઉત્સાહ અને મનોબળ વધારવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ખાસ નડાબેટ સરહદે પહોંચ્યા હતા.

નડાબેટ ઝીરો પોઈન્ટ ખાતે પહોંચીને SP ચિંતન તેરૈયાએ BSFના અધિકારીઓ અને સીમા સુરક્ષા બળના દેશરક્ષક જવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે તમામ જવાનોને મોં મીઠું કરાવીને દિવાળી તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. પોતાના પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનો માટે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીની આ સરપ્રાઈઝ મુલાકાત અત્યંત ભાવુક અને ઉત્સાહવર્ધક બની રહી હતી. સરહદ પર કામ કરતા જવાનોમાં આ મુલાકાતને કારણે ભારે હર્ષ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ વિશેષ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડાએ સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, બોર્ડર પરની સ્થિતિ અને તકેદારી અંગેની વિગતવાર માહિતી પણ મેળવી હતી. તહેવારના સમયે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રહે તે અંગે BSFના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

સરહદની મુલાકાત બાદ SP ચિંતન તેરૈયાએ નડાબેટ ખાતે આવેલા પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ નડેશ્વરી માતાજીના મંદિરે પણ શીશ નમાવ્યું હતું. તેમણે માતાજીના વિધિવત દર્શન અને પૂજન કરીને દેશ અને પ્રદેશમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિની પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

વાવ-થરાદ જિલ્લા પોલીસ વડાની આ પહેલે માત્ર જવાનોનો ઉત્સાહ જ નથી વધાર્યો, પરંતુ તહેવારોના સમયે દેશના રક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર સંદેશ પણ સમાજમાં પાઠવ્યો છે.

(11:51 PM IST)