<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય : શુક્રવારે તમામ સંલગ્ન કોલેજોમાં રજા જાહેર

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની તમામ કોલેજો ૨૪ જુલાઈએ સંપૂર્ણ બંધ રહેશે : અન્ય જિલ્લાઓની કોલેજોને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા કુલસચિવનો આદેશ

સુરત: દક્ષિણ ગુજરાતમાં સતત નોંધાઈ રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીને પગલે સરકારી વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંચાલન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાના હેતુથી આવતીકાલે એટલે કે ૨૪ જુલાઈના રોજ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

 

 ૪ જિલ્લાની તમામ કોલેજોમાં સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય રહેશે બંધ:

યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સુરત, નવસારી, વલસાડ તેમજ ડાંગ જિલ્લા અને શહેરની તમામ કોલેજોમાં ૨૪ જુલાઈ ને શુક્રવારના રોજ સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 અન્ય જિલ્લાની કોલેજો માટે વિવેકબુદ્ધિથી નિર્ણય લેવા છૂટ:

દક્ષિણ ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓ સિવાયના અન્ય જિલ્લાઓમાં આવેલી અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ કોલેજોના સત્તાધીશોએ પોતાના વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન અને પરામર્શ કરીને વરસાદી સ્થિતિ તથા પાણી ભરાવાની ગંભીરતા મુજબ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી કોલેજ ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

(4:21 PM IST)