હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વીર શહીદ પોલીસકર્મીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ
ઉત્તમ કાયદો અને વ્યવસ્થાના લીધે જ ગુજરાત દેશનું 'ગ્રોથ એન્જિન' બન્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીએ પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને બિરદાવ્યા

અમદાવાદ : પ્રજાની સુરક્ષા, સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદ પોલીસકર્મીઓની સ્મૃતિમાં સમગ્ર દેશમાં દર વર્ષે ૨૧ ઓક્ટોબરે 'પોલીસ શહીદ સ્મૃતિ દિવસ' મનાવવામાં આવે છે. આ અનુસંધાને અમદાવાદના શાહીબાગ સ્થિત શહીદ સ્મારક ખાતે રાજ્ય કક્ષાના પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહીને દેશ અને રાજ્યના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તમ કાયદો અને વ્યવસ્થાના કારણે જ આજનું ગુજરાત દેશના 'ગ્રોથ એન્જિન' તરીકે પ્રસ્થાપિત થઈ શક્યું છે, અને તેમાં આપણા પોલીસ દળની અવિરત ફરજનિષ્ઠાનું મોટું યોગદાન રહેલું છે. તાજેતરમાં રાજ્યમાં નવરાત્રિ પર્વ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે તેનો શ્રેય પણ પોલીસ દળની કર્તવ્યપરાયણતાને જાય છે, કારણ કે રાજ્યની પ્રગતિ માટે સુરક્ષિત વાતાવરણ અનિવાર્ય છે.
શહીદ સ્મારક ખાતે યોજાયેલા આ વિશિષ્ટ સમારોહમાં રાજ્યના શહીદ પોલીસકર્મીઓની નામાવલીનું પઠન કરવામાં આવ્યું હતું. પોલીસ દળ દ્વારા શહીદોને શિસ્તબદ્ધ સન્માન સલામી આપવામાં આવી હતી અને પોલીસ બેન્ડ દ્વારા શોક ધૂન રજૂ કરીને દિવ્ય વાતાવરણમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને યાદ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને સરકારના વડા તરીકે પોલીસ દળના યોગદાનને હંમેશાં સન્માનિત કર્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ અને પોલીસ મ્યુઝિયમની શરૂઆત એ પોલીસકર્મીઓના બલિદાનને સન્માન આપવાની સાથે નવી પેઢીને પોલીસ દળની ગૌરવવંતી ભૂમિકાથી પરિચિત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે.
આ શ્રદ્ધાંજલિ સમારોહમાં સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો ડૉ. હસમુખભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, અમૂલભાઈ ભટ્ટ, દિનેશસિંહ કુશવાહ, કંચનબેન રાદડિયા તેમજ નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી વીર જવાનોને નમન કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, જેલ ડીજી ડૉ. કે. એલ. એન. રાવ, તાલીમના પોલીસ મહાનિદેશક નિરજા ગોટરું, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ મહાનિદેશક ખુર્શીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહી શહીદોને સ્મરણ કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
