તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ગુજરાતના ઝેરી સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’ : રીજન - સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ વેક્સિન બનાવવા માટે તેલંગાણાની કંપનીને સોંપાયો જથ્થો : જુઓ વિડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ સર્પદંશથી થતા મોતો અટકાવવા વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય : વલસાડના ધરમપુર સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા કરાયેલા ઝેરના ઈ-ઓક્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચી કિંમત ઉપજી

ગાંધીનગર: ગુજરાતમાં સર્પદંશના સચોટ ઉપચાર માટે રાજ્યના જ ઝેરી સાપોના ઝેરમાંથી બનાવવામાં આવેલી ખાસ ક્ષેત્ર-વિશિષ્ટ (રીજન-સ્પેસિફિક) એન્ટી-સ્નેક વેનમ વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે, જે દર્દીઓ માટે ‘સંજીવની’ સાબિત થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુના આંકડા ઘટાડવા માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા સર્પ સંશોધન કેન્દ્ર (સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા ગુજરાતમાં જોવા મળતી સાપોની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ એટલે કે સૂકા પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણાની લાયસન્સ ધરાવતી ઉત્પાદક કંપનીને સોંપવામાં આવ્યું છે. આ નવી વેક્સિન વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યમાં મોટું યોગદાન આપશે.
ગુજરાતના સાપોના ઝેરમાંથી જ કેમ વેક્સિન જરૂરી?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક જ પ્રજાતિના સાપ હોવા છતાં ભૌગોલિક વિસ્તાર બદલાતા તેના ઝેરની અસરમાં મોટો તફાવત હોય છે. દેશના અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી વેક્સિન ગુજરાતના સ્થાનિક સાપો કરડવાના કિસ્સામાં સંપૂર્ણ અસરકારક સાબિત થતી નથી. આ વૈજ્ઞાનિક પડકારને પહોંચી વળવા ગુજરાત સરકારે ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. સંસ્થાના ઉપાધ્યક્ષ અને સર્પદંશના જાણીતા સર્જન ડૉ. ડી.સી. પટેલે જણાવ્યું કે, દૂરના વિસ્તારોના ઝેરથી તૈયાર કરાયેલું એન્ટી-વેનમ ઘણીવાર ઓછું અસરકારક સાબિત થાય છે, તેથી ગુજરાતના જ સાપોનું ઝેર એકત્રિત કરીને રીજન-સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ વેક્સિન વધુ અસરકારક હોવાથી દર્દીને ઓછા ડોઝની જરૂર પડશે, ઓર્ગન ફેલિયર જેવી ગંભીર સમસ્યાઓ અટકશે અને દર્દી ઝડપથી સાજો થશે.
તેલંગાણાની કંપનીને સોંપાયું ૬૮.૫૭ ગ્રામ ઝેર:
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) ના તાબા હેઠળ કાર્યરત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તેલંગાણાની લાયસન્સપ્રાપ્ત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઝેરનો જથ્થો સોંપવામાં આવ્યો છે. આ કંપની સાપ અને વીંછીના કરડવાના ઉપચારની જીવનરક્ષક વેક્સિન બનાવે છે. વન વિભાગ દ્વારા સોંપાયેલા જથ્થામાં ૩૩.૩૭ ગ્રામ ઇન્ડિયન કોબ્રા (નાગ), ૨.૬૭ ગ્રામ કોમન કરૈત, ૩૦.active૨ ગ્રામ રસેલ્સ વાઇપર અને ૧.૭૧ ગ્રામ સો-સ્કેલ વાઇપરના ઝેરનો સમાવેશ થાય છે. આ ઝેરની પ્રથમ ઈ-હરાજી દરમિયાન આંતરરાષ્ટ્રીય માપદંડોના કારણે સંસ્થાને અપેક્ષા કરતાં વધુ ઊંચી કિંમત મળી હતી. આ કંપની દ્વારા ટૂંક સમયમાં વેક્સિનની પ્રથમ ખેપ ગુજરાતને મોકલી આપવામાં આવશે.
વન્યજીવોના હુમલા કરતાં સર્પદંશથી મોતનો આંકડો મોટો:
ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ માં દેશભરમાં વન્યજીવોના હુમલામાં ૫૫૦ લોકોના મોત થયા હતા, જેની સામે સર્પદંશથી ૬૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મોટો તફાવત જ દર્શાવે છે કે સ્થાનિક સ્તરની વેક્સિન કેટલી અનિવાર્ય છે. તામિલનાડુની ‘ઇરુલા સ્નેક કેચર્સ સોસાયટી’ બાદ એન્ટી-વેનમના ઉત્પાદન માટે ઝેર વસૂલનારી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે. હાલ આ કેન્દ્રમાં ૪૭૧ જેટલા ઝેરી સાપો રાખવામાં આવ્યા છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની ગાઇડલાઇન મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઝેર કાઢવામાં આવે છે. સરકારે આ સંસ્થાના વિસ્તરણ માટે વલસાડમાં ૨.૨૫ હેક્ટર જમીન ફાળવી છે અને અદ્યતન તાલીમ માળખા માટે ૧૧.૬૮ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે.
રાષ્ટ્રીય સર્પદંશ મિશનને મળશે મોટો વેગ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૪ માં ભારત સરકારે ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ (NAP-SE)’ લોન્ચ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વૈશ્વિક વ્યૂહરચનાને અનુરૂપ, વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુજરાત દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ક્ષેત્ર-વિશિષ્ટ વેક્સિન આ રાષ્ટ્રીય મિશનને સફળ બનાવવામાં મહત્વની કડી સાબિત થશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
