<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

વીનસ ગ્રુપનો પ્રેરણાદાયી સામાજિક અભિગમ: સપોર્ટ સ્ટાફના પરિવારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લીધી સંપૂર્ણ શિક્ષણની જવાબદારી

‘Live it Now’ પહેલ હેઠળ ૨ થી ૨૧ વર્ષની વયના બાળકોની સ્કૂલ-કોલેજની ફી, હોસ્ટેલ, નિવાસ અને ખાવા-પીવાનો તમામ ખર્ચ ગ્રૂપ દ્વારા ઉઠાવવામાં આવશે: ડિરેક્ટર વિનીત વાસવાણીની ઉમદા પહેલ

અમદાવાદ : અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા સાડા ત્રણ દાયકાથી ગૌરવવંતી ઓળખ અપનાવનાર જાણીતા 'વીનસ ગ્રુપ' (VENUS GROUP) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની દિશામાં એક અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ અનેક રક્તદાન શિબિરો અને લોકકલ્યાણના કાર્યો કરનાર આ ગ્રૂપે હવે પોતાની નવી સામાજિક પહેલ 'Live it Now' ની જાહેરાત કરી છે, જે માત્ર એક અભિયાન નહીં પરંતુ સમાજમાં દીર્ઘકાલીન સકારાત્મક પરિવર્તન લાવવાની એક ઉત્કૃષ્ટ વિચારધારા છે.

 

કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત ઘરથી જ થવી જોઈએ તેવા ઉમદા વિચાર સાથે ગ્રૂપે આ અભિયાનની શરૂઆત પોતાના જ 'વીનસ પરિવાર'થી કરી છે. વીનસ ગ્રૂપે પોતાના સપોર્ટ સ્ટાફના પરિવારજનોના ઉત્કર્ષ માટે ૨ થી ૨૧ વર્ષની વયના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે. આ 'Live it Now' પહેલ અંતર્ગત ગ્રૂપ દ્વારા આ બાળકોની સ્કૂલ તથા કૉલેજની ફી, હોસ્ટેલનો ખર્ચ, આવવા-જવાની વ્યવસ્થા તેમજ ખાવા-પીવાની તમામ વાર્ષિક ફી ખુદ વહન કરવામાં આવશે, જેથી તેમના શિક્ષણમાં ક્યારેય અડચણ ન આવે અને આર્થિક મુશ્કેલીઓને કારણે કોઈનું ભવિષ્ય ન બગડે.

 

આ વિશે વાત કરતા વીનસ ગ્રૂપના ડિરેક્ટર વિનીત વાસવાણીએ હૃદયસ્પર્શી અંદાજમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ એ માનવ જીવનની સૌથી મૂલ્યવાન મૂડી છે, જે સમય સાથે ક્યારેય ઘટતી નથી પરંતુ સતત વધતી જાય છે. તે માત્ર એક વ્યક્તિનું જ નહીં, પરંતુ આખા પરિવાર, સમાજ અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.” આ પહેલનો મુખ્ય હેતુ સપોર્ટ સ્ટાફના પરિવારોને આર્થિક રીતે મજબૂત સાથ આપવાનો અને તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનો છે. આગામી સમયમાં આ અભિયાનનો વ્યાપ વધુ વધારીને વ્યાપક સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચાડવામાં આવશે, જેને લઈને સમગ્ર શહેરમાં ગ્રૂપના આ સેવાયજ્ઞની ભારે પ્રશંસા થઈ રહી છે.

 

(9:47 PM IST)