તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
વીજીઆરસી પૂર્વે વડોદરાના ૧૨૯૦૨ ઉદ્યોગકારોને રૂ. ૧૪૩૨ કરોડની સહાય અર્પણ કરતા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : મહેસાણા, રાજકોટ, સુરત ઝોનની વીજીઆરસી કરતા સૌથી વધુ સહાય વડોદરાના ઉદ્યોગકારોને અપાઇ
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશવિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ઉત્સાહભેર જોડાવા ઉદ્યોગકારોને અપીલ કરતા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી

વડોદરા તા.૨૫ : શહેરમાં માસાંતે યોજાનારી મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુક્ષ્મ, લઘુ અને મધ્યક કક્ષાના ૯૧૭૧ સહિત કુલ ૧૨૯૦૮ ઉદ્યોગકારોને રૂ. ૧૪૩૨.૪૧ કરોડની સહાય અર્પણ કરી છે. સાથે જ, ઉદ્યોગકારો, ઔદ્યોગિક વિસ્તારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવાની તત્પરતા શ્રી સંઘવીએ ઉદ્દાતભાવે દર્શાવી હતી.
વાઇબ્રન્ટ ગુજરાતની આ ચોથી રિજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ઉપ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિઝનથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશવિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. આ ખૂબ જ સારી વાત છે. રાજ્યમાં નવીનત્તમ ઉદ્યોગો આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગકારો હંમેશા નવીનત્તમ પ્રયોગો કરવામાં સફળ રહે છે. વેપાર અને ઉદ્યોગ ગુજરાતીઓના લોહીમાં વહે છે અને હંમેશા દેશદુનિયાને નવું નવું આપતા રહે છે. અહીંથી નિકાસમાં વૃદ્ધિ થતી રહે છે, એ આ બાબતની સૂચક છે. રાજ્ય સરકાર પણ વેપારઉદ્યોગને અનુકૂળ નીતિ અપનાવતી રહી છે.
શ્રી સંઘવીએ જણાવ્યું કે, ઔદ્યોગિક વિસ્તાર, ઉદ્યોગકારોના પ્રશ્નોનું નિરાકરણ પણ સતત લાવવામાં આવે છે. આ માટે સતત કામ ચાલી રહ્યું છે. આવા પ્રશ્નો હોય તો મુદ્દાસર રીતે આપી શકાય છે.
વડોદરામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉત્સાહભેર ભાગ લેવાનું નિમંત્રણ પાઠવતા ઉપમુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં મહેસાણા, રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક સમિટ યોજાઇ હતી. સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાયનું વિતરણ કરવામાં આવે છે.
મહેસાણામાં ૯૦૫ કરોડ, રાજકોટમાં ૯૫૬ કરોડ, સુરતમાં ૧૩૪૪ કરોડની સહાયનું વિતરણ ઉદ્યોગકારોમાં કરવામાં આવ્યું છે. આ ત્રણે પ્રાંત કરતા વડોદરામાં સૌથી વધુ રૂ. ૧૪૩૨ કરોડનું વિતરણ થયું એ વડોદરામાં ઔદ્યોગિક વિકાસને દર્શાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન એમએસએમઇ વિભાગ હેઠળ ૯૧૭૧ લાભાર્થીઓને રૂ ૪૦૨.૫૮ કરોડ, ટેક્સટાઇલ યોજના હેઠળ ૩૪૯૦ લાભાર્થીઓને રૂ. ૪૭૧.૬૨ કરોડ, લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ ૨૧૩ લાભાર્થીઓને રૂ. ૫૨૩.૧૫ કરોડ, અન્ય વિવિધ યોજના હેઠળ રૂ. ૩૪ લાભાર્થીઓને રૂ. ૩૫.૦૬ કરોડની સહાય – લાભો શ્રી સંઘવીના હસ્તે આપવામાં આવ્યા હતા.
ઇન્ડેક્સ-બીના એમડી શ્રી કેયુર સંપટે બેઠક દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટની રૂપરેખા આપવા એક પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
આ બેઠકમાં રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, ધારાસભ્ય ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી જયપ્રકાશભાઇ સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, સચિવ ડો. રાજેન્દ્ર કુમાર, વરિષ્ઠ અધિકારીઓ પી. સ્વરૂપ, પી. ભારતી, સંદીપસિંહ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ ઔદ્યોગિક સંગઠનોના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
