<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 ની તૈયારી તેજ : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે સરકારનું મેગા આયોજન, વિશ્વના 22 દેશ અને ભારતના 8 શહેરોમાં રોકાણ આકર્ષવા રોડ-શો

10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11મી સમિટ યોજાશે, થીમ "વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર", FTA અને AI આધારિત નેટવર્કિંગ પર ખાસ ફોકસ

ગાંધીનગર, તા. 17 : રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 (VGGS-2027) ને ઐતિહાસિક બનાવવા સઘન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 11મી વાઇબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સમિટમાં વધુમાં વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે સરકાર વિશ્વના 22 દેશો અને ભારતના 8 મુખ્ય શહેરોમાં રોડ-શો, ઇન્વેસ્ટર મીટ અને વેપારી બેઠકોનું આયોજન કરશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં અમેરિકા-કેનેડાનો પ્રવાસ કરી ચૂક્યા છે, જ્યાં સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને ગિફ્ટ સિટીને લઈને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે.

સમિટની મુખ્ય વિશેષતાઓ

1. 8 FTA સેક્ટર સેશન: સરકાર ભારતના મુક્ત વેપાર કરારો (FTA) ને ધ્યાનમાં રાખીને 8 ખાસ સેશન યોજશે. જેમાં ટેક્સટાઇલ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્મા, એગ્રીકલ્ચર અને મરીન પ્રોડક્ટ્સ ક્ષેત્રને આવરી લેવાશે.

2. AI આધારિત બિઝનેસ મેચમેકિંગ: ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અનુસાર, આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત પોર્ટલ અને એપ પર AI આધારિત B2B અને B2G મીટિંગ સુવિધા શરૂ કરાશે, જેથી ગુજરાતના MSME અને ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) ઉદ્યોગોને વૈશ્વિક ખરીદદારો સાથે સીધા જોડી શકાય.

3. ઇમર્જિંગ સેક્ટર પર ફોકસ: આ સમિટમાં એરોસ્પેસ અને ડિફેન્સ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ, ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો ઉપરાંત એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ટુરિઝમ જેવા પરંપરાગત ક્ષેત્રોને પણ પ્રાધાન્ય અપાશે.

આ સાથે 9 થી 13 જાન્યુઆરી દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવશે. 

(4:41 PM IST)