<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

દિલ્હીમાં ઇમારત ધરાશાયી દુર્ઘટના અને ચિત્રકૂટ અતિવૃષ્ટિના પીડિતો માટે પૂ. મોરારિબાપુ દ્વારા રૂ. ૬.૦૫ લાખની સહાય જાહેર

દિલ્હી હોનારતના ૭ મૃતકોના સ્વજનોને ₹૧.૦૫ લાખ અને ચિત્રકૂટમાં પૂર પીડિતો માટે ₹૫ લાખની આર્થિક મદદ અર્પણ કરાઈ

તલગાજરડા: તાજેતરમાં દિલ્હી ખાતે બનેલી પાંચ માળની ઇમારત ધરાશાયી થવાની કરુણ હોનારત અને ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશ સરહદે ચિત્રકૂટમાં સર્જાયેલી અતિવૃષ્ટિની ઘટના અંગે સંવેદના વ્યક્ત કરીને પ્રખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુ દ્વારા પીડિતો માટે કુલ રૂપિયા ૬,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. તલગાજરડા ખાતેથી જયદેવ માંકડ દ્વારા જારી કરવામાં આવેલી અધિકૃત પ્રેસ નોટમાં આ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે.

દિલ્હી ખાતે પીજી (PG) તરીકે ઉપયોગમાં લેવાતી એક પાંચ માળની બિલ્ડિંગના બેઝમેન્ટમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ૭ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. પૂ. મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના શોકગ્રસ્ત પરિવારજનો માટે મૃતકદીઠ રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ જાહેર કરી છે. આ રકમ રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

આ ઉપરાંત દેશમાં લા નીનોની અસરને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સંયુક્ત સરહદે આવેલા ધાર્મિક સ્થળ ચિત્રકૂટમાં ભારે અતિવૃષ્ટિ થતાં જાનમાલની મોટી ખુવારી થઈ છે. આ કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકો માટે પૂ. મોરારિબાપુએ તત્કાલ રૂપિયા ૫,૦૦,૦૦૦ ની રાહત સહાય અર્પણ કરી છે, જે રામકથાના વારાણસી સ્થિત શ્રોતા મારફતે સંબંધિત વિસ્તાર સુધી પહોંચાડવામાં આવી છે. પૂ. મોરારિબાપુએ આ તમામ દુર્ઘટનાઓના પીડિતોના નિર્વાણ અને શાંતિ માટે ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:12 PM IST)