News of Monday, 14th September 2026
ઉચેડીયા ગામે કાવેરી નદીની ખાડી પર પુલ બનાવવાની ગ્રામજનોની માંગ: સાંસદને કરી રજૂઆત
સાંસદ મનસુખભાઈ વસાવાને લેખિત આવેદન ગ્રામજનોએ રાજપીપળા તેમના નિવાસસ્થાને આવીને આપ્યું: ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ ખેતરે જવા મજબૂર, ચોમાસામાં મુશ્કેલીમાં વધારો

( ભરત શાહ દ્વારા )નર્મદા :ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉચેડીયા ગામે કાવેરી નદીની ખાડી પર પુલ અથવા નાળું બનાવવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. અને આ નાળુ બનાવવા સાંસદ મનસુખ વસાવાને લેખિત આવેદન ગ્રામજનો એ રાજપીપળા તેમના નિવાસસ્થાને આવી ને આપ્યું હતું. જેમાં ગામના સરપંચ મુકેશ વસાવા, ડેપ્યુટી શાંતિલાલ પટેલ, સન્મુખભાઈ તથા સામાજિક કાયર્કર અને આગેવાન હસમુખભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહી સાંસદ ને રજૂઆત કરી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરો ખાડીની સામે પાર આવેલા હોવાથી તેમને દરરોજ ખાડીમાંથી પસાર થઈ ખેતરે જવું પડે છે. હાલ ખાડી પર કોઈ પુલ કે નાળું ન હોવાથી ખેડૂતો પાણીમાંથી પસાર થઈ જીવના જોખમે ખેતી કરવા જાય છે. ખાસ કરીને ચોમાસા અને ભરતીના સમયે ખાડીમાં પાણીનું સ્તર વધતા ખેડૂતોને ખેતરે જવા-આવવા માં ભારે મુશ્કેલી પડે છે. પાક લઈને પરત ફરતી વખતે પણ પાણી વધવાને કારણે પાક બગડી જવાની તેમજ પાણી ઓસરવાની રાહ જોતા સમયનો બગાડ થવાની સ્થિતિ સર્જાય છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં આ સ્થળે અકસ્માતો પણ બન્યા છે. આસપાસના ગામોના લોકો તેમજ નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. ગામના આશરે 20 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નિર્ભર હોવાથી કાયમી સમસ્યાના નિરાકરણ માટે પુલની જરૂરિયાત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
આથી ગ્રામજનોએ તંત્ર સમક્ષ કાવેરી નદીની ખાડી પર મોટો પુલ શક્ય ન હોય તો ઓછામાં ઓછો પગદંડી પુલ અથવા નાળું બનાવી ખેડૂતો તથા આસપાસના ગ્રામજનો માટે અવરજવર સરળ બનાવવાની નમ્ર રજૂઆત કરી છે
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
