<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

મહેસાણાના લક્ષ્મીપુરા ગામે ONGCના વેલમાં ચાનક ગેસ લીકેજથી ગ્રામજનોમાં ભારે ફફડાટ : મોટો અકસ્માત ટળ્યો

ગેસ બહાર નીકળતી વખતે ખૂબ જ મોટો અને ડરામણો અવાજ આવતો હોવાથી ગ્રામજનો ગભરાઈ ગયા:ગણતરીની મિનિટોમાં જ આ ગેસની તીવ્ર દુર્ગંધ આખા ગામમાં પ્રસરી ગઈ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામે આજે વહેલી સવારે ONGCના તેલના કૂવામાંથી અચાનક ગેસ લીકેજ થવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગેસ લીકેજ થતાં જ વાતાવરણમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક સાવચેતીના પગલાં લઈ તંત્રને જાણ કરી હતી, જેથી મોટી દુર્ઘટના ઘટતા ટળી હતી.

 

લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલા ONGCના વેલમાંથી કોઈ અગમ્ય કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા ગેસ લીકેજ શરૂ થયો હતો. ગેસ બહાર નીકળતી વખતે ખૂબ જ મોટો અને ડરામણો અવાજ આવતો હોવાથી ગ્રામજનો ગભરાઈ ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ આ ગેસની તીવ્ર દુર્ગંધ આખા ગામમાં પ્રસરી ગઈ હતી. 10 થી 15 મિનિટમાં જ આસપાસના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, કારણ કે ગેસની ગંધ ખૂબ જ પ્રબળ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હતી. ગ્રામજનોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ સ્થાનિક આગેવાનો અને ONGCના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો.

 

ગ્રામજનોની સતર્કતાને કારણે ONGCની ટેકનિકલ ટીમને સમયસર જાણ થઈ શકી હતી. માહિતી મળતાની સાથે જ ONGCનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વેલને બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 1 થી 2 કલાકની જહેમત બાદ ગેસ લીકેજ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સમયસર લીકેજ બંધ કરી દેવાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર રિફાઇનરી અને તેલના કૂવાઓ નજીક રહેતા લોકોની સુરક્ષાના પ્રશ્નોને ગંભીર બનાવ્યા છે

 

 

(1:29 PM IST)