<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન વિવાદમાં હિંસક ઘર્ષણ : પોલીસ અને કંપનીના કર્મચારીઓ ઉપર હુમલો

આપ નેતા બ્રિજરાજ સોલંકી સહિત ૭ની ધરપકડ : પથ્થરમારો અને કોદાળી-પાવડાથી હુમલાનો આરોપ, ૨૬ નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ

અમદાવાદ  : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ હિંસક બનતાં પોલીસ અને કંપનીના કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના બની હતી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. બાવળા કોર્ટે તમામ આરોપીઓના ૨૬ નવેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 

 

પોલીસના જણાવ્યા અનુસાર ૨૧ નવેમ્બરે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં પાઇપલાઇન કામગીરીનો વિરોધ કરી રહેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. કેટલાક લોકોએ કોદાળી અને પાવડા વડે હુમલો કર્યાનો પણ આરોપ છે. ઘટનામાં ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓ તથા કંપનીના એકથી બે કર્મચારીઓને ઈજા થઈ હતી. પોલીસ અને કંપનીનાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

 

ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી જમીનના વળતર સહિતના પ્રશ્નો અંગે વિરોધ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત ચર્ચાઓ યોજાઈ હતી. કોઠ પોલીસ મથકે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલુ છે. 

(8:17 PM IST)