તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
મહુવાના વડલી ચોકડી નજીક જૂની માથાકૂટને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ: કુલ સાત વ્યક્તિઓને ગંભીર ઈજા
હિંસક ઝઘડા દરમિયાન બંને જૂથના લોકો દ્વારા એકબીજા પર લાકડીના ધોકા, લોખંડના પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ચોકડી નજીક આજે બપોરના સમયે જૂની માથાકૂટને લઈને બે પક્ષો વચ્ચે ભયાનક મારામારી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. આ હિંસક અથડામણમાં બંને પક્ષના થઈને કુલ સાત વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, આ આખી માથાકૂટ અગાઉ ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતને લઈને થયેલા મનદુઃખના કારણે શરૂ થઈ હતી, જેણે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વડલી ચોકડી જેવા ભરચક વિસ્તાર નજીક ભરવાડ સમાજ અને કોળી સમાજના વ્યક્તિઓ સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. આ હિંસક ઝઘડા દરમિયાન બંને જૂથના લોકો દ્વારા એકબીજા પર લાકડીના ધોકા, લોખંડના પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકોને લોહીલુહાણ હાલતમાં મૂકી દેવાયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રથમ સારવાર અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, કેટલાક દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સઘન સારવાર અર્થે મહુવાની પ્રખ્યાત હનુમાન હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે, જ્યાં હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. આ તરફ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
