News of Tuesday, 22nd September 2026
નવરાત્રી પૂર્વે 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના વાયરલ પોસ્ટરોથી ખળભળાટ: અમદાવાદથી મુંબઈ સુધી સાયબર પોલીસ એલર્ટ મોડ પર
સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજના નામે સાયબર છેતરપિંડી કે મોટું ષડયંત્ર? : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ અને AI જનરેટેડ સામગ્રી અંગે સાયબર ક્રાઈમની તપાસ તેજ

અમદાવાદ: નવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર 'રેન્ટ અ ગરબા પાર્ટનર' નામે વાયરલ થઈ રહેલી વિવિધ પોસ્ટ અને પોસ્ટરોએ ભારે ચકચાર જગાવી છે. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા શહેરોમાંથી આવી વિવાદિત પોસ્ટ અને એકાઉન્ટ્સ સામે આવ્યા બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી છે અને આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ફરતી થયેલી જાહેરાતોમાં ગરબા પાર્ટનર પૂરા પાડવા માટે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવા પેકેજોના દાવો કરવામાં આવી રહ્યા છે. વિવિધ પોસ્ટમાં રૂ. ૧,૦૦૦ થી રૂ. ૨,૦૦૦થી લઈને રૂ. ૩,૦૦૦ થી રૂ. ૬,૫૦૦ સુધીના ચાર્જ વસૂલવાની વિગતો દર્શાવવામાં આવી છે. આ પેકેજોમાં ગરબા પાર્ટનર ઉપરાંત ડાન્સ સ્ટેપ શીખવવા, મેચિંગ આઉટફિટ્સ, સેલ્ફી, ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને ફોટો સેશન જેવી સુવિધાઓ આપવાની લાલચ આપવામાં આવી છે, જ્યારે કેટલીક વિવાદિત પોસ્ટ્સમાં અશ્લીલ અને આપત્તિજનક બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શંકાસ્પદ પેમેન્ટ લિંક, ફિશિંગ અને સેક્સ રેકેટ સહિતના તમામ પાસાઓ પર તપાસ, સાયબર પોલીસે લોકોને નાણાં ન ચૂકવવા અપીલ કરી
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે નાગરિકોને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે આવા અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ચેટ્સ કે પેમેન્ટ લિંક્સ પર ભરોસો કરવો નહીં અને કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્સફર કરવું નહીં. તપાસ એજન્સીઓ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પોસ્ટ્સનો ઉપયોગ યુઝર્સને શંકાસ્પદ લિંક્સ મોકલીને ફિશિંગ, એકાઉન્ટ હેકિંગ કે નાણાકીય ઠગાઈ કરવા માટે તો નથી થઈ રહ્યો ને. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે વાયરલ થયેલી કેટલીક સામગ્રી AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા જનરેટ કરવામાં આવી હતી.
બીજી તરફ મુંબઈમાં પણ પરિસ્થિતિ ગંભીર બનતા ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ કડક તપાસની માંગ કરી છે. આ મામલે આ માત્ર મજાક કે સાયબર ઠગાઈ છે, ગરબા પાર્ટનરના નામે સેક્સ રેકેટ ચલાવવાનો પ્રયાસ છે કે પછી નવરાત્રી જેવા પવિત્ર અને સાંસ્કૃતિક તહેવારને બદનામ કરવાનું કાવતરું છે - તે તમામ પાસાઓ પર સાયબર પોલીસ, મહિલા સુરક્ષા ટીમ અને તપાસ એજન્સીઓ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
