તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપાનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
ભાજપા કાર્યકર્તાઓ, આગેવાનો, અને શુભેચ્છકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી પ્રેરણાદાયી સંવાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી:ગુજરાતના વિકાસની ૨૫ વર્ષની યાત્રા એ ભાજપા કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ, તપસ્યા અને જનસેવાના સંકલ્પનું પરિણામ છે:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમંચ પર નવી ઓળખ અને આત્મવિશ્વાસ મેળવ્યો છે, તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ૨૫ વર્ષથી વધુ સમયથી વિકાસનું રોલમોડેલ બન્યું છે:ભુપેન્દ્રભાઈ પટેલ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા અને સુશાસનથી દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે:જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર:ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભાજપા દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ ઉપસ્થિત સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ નૂતન વર્ષ નિમિત્તે સૌ સાથે આત્મીયતાપૂર્વક મળીને શુભેચ્છાઓની આપ-લે કરવાની અને સામૂહિક સંકલ્પ કરવાનો ગુજરાત ભાજપાના વર્ષો જૂનો સંસ્કાર છે. આ વર્ષની દિવાળી તેમના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ગુજરાતની જનતાએ તેમને સેવા કરવાનો અવસર આપ્યો તેના ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ ૨૫ વર્ષની જાહેર જીવનની યાત્રામાં ગુજરાતના કાર્યકર્તાઓનો અવિરત સાથ, જોમ, જુસ્સો, ત્યાગ અને તપસ્યા ન હોત તો જનતાની આટલી વ્યાપક સેવા શક્ય બની ન હોત. આથી તેમણે ગુજરાતના તમામ કાર્યકર્તાઓના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે જ ગુજરાત અને દેશની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછીની પ્રથમ દિવાળીના પ્રસંગને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે સમયે ભૂકંપગ્રસ્ત પરિવારોની વેદનામાં સહભાગી થવા માટે તમામ મંત્રીઓએ સાથે મળીને દિવાળી નહીં ઉજવવાનો અને ભૂકંપથી અસરગ્રસ્ત ગામોમાં જઈ સ્વજનો ગુમાવનારા પરિવારોને મળવાનો નિર્ણય કર્યો હતો. તે અનુભવથી તેમનો વિશ્વાસ વધુ દૃઢ થયો કે તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવામાં છે. આ જ ગુજરાતની તાકાત છે, જેણે વિનાશક ભૂકંપના પડકારને પાછળ રાખીને કચ્છને આશા, વિકાસ અને નવસર્જનનું નવું કેન્દ્ર બનાવ્યું. એક સમયે વેપાર માટે ઓળખાતું ગુજરાત આજે ખેતી, ઉદ્યોગ, ડેરી, સેમિકન્ડક્ટર, પેટ્રોકેમિકલ, ઓટોમોબાઇલ અને ગ્રીન એનર્જી સહિત અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતના વિકાસથી રાષ્ટ્રના વિકાસનો મંત્ર આજે સાકાર થઈ રહ્યો છે. દેશના આર્થિક વિકાસમાં ગુજરાતે નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને અન્ય રાજ્યો પણ વિકાસની આ યાત્રામાં આગળ વધી રહ્યાં છે.
ભાજપાના કાર્યકર્તાઓની ભૂમિકા અંગે પ્રધાનમંત્રી મોદીજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કાયાકલ્પમાં ભાજપાના કાર્યકર્તાઓનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાજપાના કાર્યકર્તાઓના સંસ્કારોમાં હંમેશા સેવા સર્વોપરી રહી છે. કાર્યકર્તાઓની પેઢીઓ બદલાઈ છે, પરંતુ પક્ષે આપેલા સંસ્કાર, દિશા અને શિક્ષણ પેઢી દર પેઢી આગળ વધ્યાં છે. જ્યારે પક્ષ પાસે સત્તા કે સંસાધનો નહોતાં ત્યારે પણ કાર્યકર્તાઓએ સેવાભાવથી કામ કર્યું હતું અને સત્તા દૂર હતી ત્યારે પણ સેવામાર્ગ છોડ્યો નહોતો. વર્ષ ૨૦૦૧ની આસપાસના કપરા સમયમાં ગુજરાતે દુષ્કાળ, અનેક પડકારો અને લોકોની હિજરત જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તે સમયે ભાજપાના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ સુખડી એકત્રિત કરતા અને ગરીબ પરિવારો સુધી પહોંચાડતા હતા. ગુજરાતે જનભાગીદારીની શક્તિથી અનેક સંકટોનો સામનો કરી વિકાસની નવી દિશા પ્રાપ્ત કરી છે. એક સમયે દસ વર્ષમાંથી સાત વર્ષ દુષ્કાળનો સામનો કરનાર ગુજરાત આજે જળસંચય અને પાણી બચાવવાના અભિયાનો તથા પાણી સંબંધિત યોજનાઓના માધ્યમથી આગળ વધી રહ્યું છે. ભાજપામાં પદ કરતાં પરિશ્રમ અને વ્યક્તિના કદ કરતાં તેના કાર્યને મહત્ત્વ આપવામાં આવે છે તેનું ઉદાહરણ આપતાં તેમણે લાંબા સમય સુધી ભાજપા કાર્યાલયમાં સેવાભાવથી કાર્ય કરનાર રમેશભાઈ ભીલનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ આજે કાઉન્સિલર તરીકે જનસેવા કરી રહ્યા છે. આ સાથે તેમણે અતુલભાઈ મિસ્ત્રીને પણ યાદ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના રાજકીય જીવનની સફરને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમના જેવા સામાન્ય કાર્યકર્તાને પણ ભાજપાએ મોટું સ્થાન આપ્યું છે. પક્ષના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનોએ તેમના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભાજપાના કાર્યકર્તા હોવું એ પોતે જ એક મોટું સૌભાગ્ય છે. ભાજપાની કાર્યસંસ્કૃતિમાં ‘દળથી મોટો દેશ’ અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનો ભાવ હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે. ભાજપાનો કાર્યકર્તા જ્યાં પણ હોય ત્યાં સમાજ સાથે મળીને કંઈક નવું કરવાની અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહેવાની પ્રેરણા ધરાવે છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના યોગદાનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને કેવી રીતે કાર્ય કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. દલિત પરિવારો સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરીને તેમણે લોકભવનને પણ તેમના માટે પોતાના ઘર જેવું બનાવ્યું છે. આ જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રની સાચી ભાવના છે. ગુજરાત આજે સ્વચ્છતા અને જળસંચયના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. ગુજરાતની પ્રગતિ માટેના તમામ પ્રયાસો અને સિદ્ધિઓ ગુજરાતના આગામી અનેક વર્ષોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બની રહ્યાં છે.
દેશમાં જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રી મોદીજીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એક પછી એક યોજનાઓ બનાવીને સમાજના છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. સાચો સામાજિક ન્યાય કોને કહેવાય તે આ યોજનાઓના પરિણામોએ સાબિત કર્યું છે. તેમણે વર્લ્ડ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ટૂંકા સમયગાળામાં દેશના ૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે આઝાદી બાદની એક મોટી સિદ્ધિ છે. આઝાદી માટે બલિદાન આપનારા અને જીવન સમર્પિત કરનારા મહાનુભાવોના સપનાઓને સાકાર કરવાની દિશામાં આ એક સંતોષજનક પ્રગતિ છે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી દેશે ગરીબી અને અનેક પડકારોનો સામનો કર્યો, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની સિદ્ધિ દેશના દરેક નાગરિક માટે ગૌરવ અને સંતોષનો વિષય છે. આ સફળતા પાછળ સરકારની સ્પષ્ટ નિયત, યોગ્ય નીતિ, સાચી દિશા અને સતત પરિશ્રમ રહેલો છે.
વિકસિત ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત માત્ર એક વિચાર કે વાત નથી, પરંતુ તેના માટે સ્પષ્ટ વિઝન, આયોજન અને રોડમેપ તૈયાર છે. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતે મોટી હરફાળ ભરવાની છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો છે અને વિકસિત ભારતના નિર્માણમાં સૌથી મોટું યોગદાન આપનાર રાજ્ય તરીકે ગુજરાતને આગળ લઈ જવાનું છે. તેમને વિશ્વાસ છે કે છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે તેના કરતાં પણ વધુ પ્રગતિ આગામી ૨૦ વર્ષમાં કરશે. અંતમાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના કાર્યકર્તાઓને યાદ કરે છે ત્યારે તેમનામાં નવી ઊર્જા, ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે. કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ, સમર્પણ અને સેવાભાવ જ ગુજરાતની વિકાસયાત્રાની સાચી મૂડી છે.
રાજ્યવ્યાપી સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મજુરા વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર આયોજિત નૂતનવર્ષ સ્નેમિલનમાં ઉપસ્થિત સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, જનસેવાથી રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રહિત સર્વોપરી એ ભાજપાનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમંચ પર નવી ઓળખ અને આત્મવિશ્વાસ મેળવ્યો છે, તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ૨૫ વર્ષથી વધુ સમયથી વિકાસનું રોલમોડેલ બન્યું છે. ચિપથી શિપ અને સેમિકન્ડક્ટર જેવા આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રોમાં ગુજરાત નવી દિશા આપી રહ્યું છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને વનબંધુ કલ્યાણ જેવી યોજનાઓથી શિક્ષણ, જનજાતીય વિકાસ અને મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. ગુજરાતની ૧૧ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની છે. તેમણે જણાવ્યું કે, સંગઠનની સાચી તાકાત સમર્પિત કાર્યકર્તાઓમાં છે. ભાજપાનું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નહીં, પરંતુ વિકાસની રાજનીતિ દ્વારા જનતાનાં હૃદય જીતવાનું છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલા નૂતનવર્ષ સ્નેહમિલન નિમિત્તે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને વિકાસનાં ૨૫ વર્ષ આપણા સૌ માટે ગૌરવની બાબત છે. તેમના નેતૃત્વમાં આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ અને જનધન જેવી યોજનાઓ દ્વારા કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ૫૦ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આજે ભારત આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ભાજપાની સૌથી મોટી શક્તિ તેના કાર્યકર્તાઓ છે, જે સતત જનતાની વચ્ચે રહી જનસેવાના કાર્યોમાં જોડાયેલા રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપાના શાસનમાં ગુજરાતની અવિરત વિકાસયાત્રા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણીઓમાં મળેલી ભવ્ય સફળતાનાનું સ્મરણ કરી આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ જગદીશભાઈ વિશ્વકર્માએ વ્યક્ત કરતા હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી વિસ્તારની વિધાનસભામાં ૭૨ કલાક સુધી ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમની સમસ્યાઓ તથા સરકારી તંત્રના કામકાજની સમીક્ષા કરી, જે સૌ માટે પ્રેરણારૂપ છે. આગામી દિવસોમાં મંત્રીઓ પણ આ જ પ્રકારે વિધાનસભા વિસ્તારોમાં ૭૨ કલાક રહી જનસંપર્ક કરશે. તેમણે ભાજપાના વરિષ્ઠ આગેવાનોના માર્ગદર્શન અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભાજપાની સૌથી મોટી મૂડી સમર્પિત કાર્યકર્તાઓ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલા રહી તેમના પરિશ્રમને સન્માન આપવું જોઈએ, કારણ કે હોદ્દો ચૂંટણીથી મળે છે, પરંતુ સાચું સ્થાન કાર્યકર્તાઓના દિલમાં બનાવવાનું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનતા અને ભાજપાનો સંયુક્ત પરિવાર વધુ મજબૂત બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે.
નૂતન વર્ષના આ પાવન અવસરે પ્રત્યેક વિધાનસભામાં સૌએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી સંગઠનની એકતા, સમર્પણ અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આ વર્ષનો નૂતનવર્ષ વિશેષ ગૌરવ અને આનંદનો અવસર પણ છે, કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થયાં છે. તેમના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન અને જનકલ્યાણનાં અનેક નવા સોપાન સર કર્યાં છે. આ ગૌરવપૂર્ણ અવસરની સ્મૃતિ સાથે સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ દૃઢ કરવાનો સંદેશ પણ આ સ્નેહમિલન સમારોહમાં આપવામાં આવ્યો હતો.
રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે યોજાયેલા આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો, સામાજિક અગ્રણીઓ, સાધુ-સંતો, વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો તથા શુભેચ્છકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
