<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદના રાયપુર દરવાજા પાસે જર્જરિત બંધ મકાનની દીવાલ અચાનક ધરાશાયી: પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ

મોડી રાત્રે એક જર્જરિત બંધ મકાનની ઉપરની દીવાલ અચાનક ધરાશાયી: કાટમાળ નીચે પાર્ક કરેલી સફેદ રંગની કાર પર પડતાં તેનો પાછળનો ભાગ કચડાઈ ગયો

અમદાવાદ:શહેરના ઐતિહાસિક કોટ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રાયપુર દરવાજા નજીક મોડી રાત્રે એક બંધ પડેલા જર્જરિત મકાનનો ઉપરનો હિસ્સો અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. મકાનની ઉપરની દીવાલ તૂટીને નીચે પાર્ક કરેલી એક સફેદ રંગની ફોર વ્હીલર કાર પર પડતાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ ઘટના મધ્યરાત્રિના સુમારે બની હોવાથી અને રસ્તા પર અવરજવર નહિવત હોવાના કારણે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

  મળતી માહિતી મુજબ, રાયપુર દરવાજા વિસ્તારમાં આવેલા ત્રણ જેટલા અત્યંત જોખમી અને જર્જરિત મકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉથી જ ભયજનક જાહેર કરીને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પૈકીનું આ મકાન છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણપણે બંધ હાલતમાં હતું. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, પરંતુ આવા જોખમી બાંધકામને સમયસર જાતે ઉતારી લેવાની કોઈ નક્કર તજવીજ હાથ ધરવામાં આવી નહોતી. તંત્રની આ ઢીલી નીતિના કારણે આખરે દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

 

મધ્યરાત્રિએ અચાનક ભારે ભરખમ દીવાલ અને કાટમાળ ધસી પડતાં આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મકાનની બરાબર નીચે એક સફેદ કલરની કાર પાર્ક કરવામાં આવી હતી. દીવાલનો મોટો હિસ્સો અને ઈંટો સીધી કાર પર ખાબકતાં કારની પાછળની છત અને કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત અથવા કોઈ રાહદારી ત્યાંથી પસાર થતો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

 

દુર્ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ જોઈને રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કોટ વિસ્તારમાં હજુ પણ અનેક આવા ભયજનક મકાનો ઊભા છે, જે ગમે ત્યારે નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ શકે છે. તંત્ર દ્વારા માત્ર ઔપચારિક નોટિસો આપીને હાથ ખંખેરી લેવાના બદલે તાત્કાલિક ધોરણે આવા જોખમી મકાનોને તોડી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

(11:01 AM IST)