તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
દક્ષિણ ગુજરાતમાં પૂરના કારણે ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી : GUVNL મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, IAS કે.પી. જોશી અને IAS રાજ સુથાર સહિતના વરિષ્ઠ અધિકારીઓને સોંપાઈ મોનિટરિંગની જવાબદારી
૩૩૮ ટીમો અને ૧,૩૩૪ કર્મચારીઓ દ્વારા વલસાડ, નવસારી અને સુરતમાં વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મરોની મરામત શરૂ : GUVNL ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા કરશે સંકલન : સાંજ સુધીમાં વીજળી પુનઃ શરૂ કરવાનો લક્ષ્યાંક

રાજકોટ : દક્ષિણ ગુજરાતમાં ગત તા. ૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ભરાઈ જવાના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના વીજ વિતરણ નેટવર્કને ભારે નુકસાન પહોંચ્યું હતું અને અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વરિષ્ઠ અધિકારીઓને મેદાનમાં ઉતારી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક:
અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવાના હેતુથી GUVNLના મેનેજિંગ ડિરેક્ટર તથા સુરતના પ્રભારી સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS)ના અધ્યક્ષસ્થાને તા. ૨૪ જુલાઈના રોજ એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કે.પી. જોશી (IAS), રાજ સુથાર (IAS), GUVNLના ડિરેક્ટર (એડમિન) શ્રીમતી પ્રીતિ શર્મા (IP&TAFS) તેમજ DGVCLના તમામ વિભાગીય વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
જિલ્લાવાર અધિકારીઓને કામગીરીની સોંપણી:
કામગીરીનું યોગ્ય મોનિટરિંગ થાય તે માટે શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS)ના નેતૃત્વ હેઠળ વરિષ્ઠ અધિકારીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત:
કે.પી. જોશી (IAS): નવસારી જિલ્લામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરીનું મોનિટરિંગ કરશે.
રાજ સુથાર (IAS): વલસાડ જિલ્લાની મોનિટરિંગ કામગીરી સંભાળશે.
શ્રીમતી પ્રીતિ શર્મા (IP&TAFS): ડિરેક્ટર (એડમિન), GUVNL તરીકે સમગ્ર કામગીરીનું સંકલન સંભાળશે.
### ૩૩૮ ટીમો અને ૧,૩૩૪ કર્મચારીઓ મેદાનમાં:
તા. ૨૪ જુલાઈની વહેલી સવારથી જ વલસાડ, નવસારી અને સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે મોટા પાયે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે કુલ ૩૩૮ ટીમો અને ૧,૩૩૪ અધિકારીઓ-કર્મચારીઓ સતત કાર્યરત છે, જેમાં સમાવિષ્ટ છે:
DGVCL ની ટીમો: ૨૫૪ ટીમો
કોન્ટ્રાક્ટર એજન્સીની ટીમો: ૭૪ ટીમો
PGVCL ની ટીમો: ૧૦ ટીમો
આ તમામ ટીમો દ્વારા નુકસાનગ્રસ્ત વીજ લાઈનો, વીજ થાંભલા, ટ્રાન્સફોર્મરો તથા અન્ય વીજ ઉપકરણોની મરામત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા તા. ૨૪ જુલાઈની સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
DGVCL દ્વારા નાગરિકોને ખાસ અપીલ અને કસ્ટમર કેર નંબર જારી:
વીજ કંપની દ્વારા તમામ વીજ ગ્રાહકોને આ આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ કર્મચારીઓને કામગીરીમાં પૂર્ણ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત, પાણી ભરાયેલા વિસ્તારોમાં તૂટેલા વીજ તાર, નુકસાનગ્રસ્ત વીજ થાંભલા કે અન્ય જોખમી વીજ ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવવા તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે. વીજ પુરવઠા સંબંધિત કોઈપણ માહિતી કે ફરિયાદ માટે કસ્ટમર કેર સેન્ટર નંબર ૧૯૧૨૩ (19123) પર સંપર્ક કરવા જણાવાયું છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
