તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 30th May 2026
અમદાવાદના નિકોલમાં ખાણી-પીણીના શોખીનો માટે ચેતવણી: જાણીતી પિઝેરિયાની ચેઈનમાં પીઝામાંથી નીકળી જીવાત, AMC તંત્ર દ્વારા ૧૦,૦૦૦નો દંડ ફટકારાયો
ઓનલાઈન ઓર્ડર કરાયેલા પીઝામાંથી જીવતો કીડો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા, રસોડામાં ગંદકી જોઈને ફૂડ વિભાગ પણ સ્તબ્ધ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ આ સુવિધા ક્યારેક ગંભીર સ્વાસ્થ્ય જોખમો પણ નોતરે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાંથી સામે આવી છે, જ્યાં શહેરના પ્રખ્યાત 'લા મિલાનો પિઝેરિયા' (La Milano Pizzeria) આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પીઝામાંથી જીવતી જીવાત મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. એક જાગૃત ગ્રાહકે આ અંગે તંત્રને જાણ કરતા ફૂડ વિભાગે દરોડા પાડીને આઉટલેટને ૧૦,૦૦૦ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.
પરિવાર સાથે પીઝા માણતા હતા અને અચાનક...
નિકોલના રસપાન ચાર રસ્તા પાસે આવેલી આ ફૂડ આઉટલેટમાંથી ગ્રાહકે પીઝા, ગાર્લિક બ્રેડ અને કોલ્ડ્રિંક્સનો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. ગ્રાહક અને તેમનો પરિવાર જ્યારે ઘરે હોંશે-હોંશે પીઝા ખાઈ રહ્યા હતા, ત્યારે પીઝાના એક પીસ પર કંઈક હલનચલન થતું જણાયું હતું. ધ્યાનથી જોતા તે જીવતો કીડો હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. ગ્રાહકે તરત જ સ્ટોર મેનેજરનો સંપર્ક કરી વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની ઓફર કરી હતી.
AMC ના ફૂડ વિભાગના દરોડામાં ખુલ્યું ગંદકીનું પોત
ગ્રાહકે માત્ર પૈસા પાછા મેળવવાને બદલે જનઆરોગ્ય સાથેના ચેડાં સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું અને સમગ્ર મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગને સોંપ્યો. તંત્રની ટીમે તુરંત જ દરોડા પાડીને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં રસોડામાં ભારે ગંદકી અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા આઉટલેટને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારીને કડક સૂચના આપવામાં આવી છે.
ભવિષ્યમાં બેદરકારી ટાળવા તંત્રની કડકાઈ
હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ વાસી સામગ્રીના વપરાશ મુદ્દે ઊંડાણપૂર્વકની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ઓનલાઇન ફૂડ ડિલિવરી લેતા ગ્રાહકોમાં પણ ભય અને રોષની લાગણી જન્માવી છે. તંત્રે પણ ચેતવણી આપી છે કે, જો ફરી આવી બેદરકારી કે ગંદકી જોવા મળશે, તો આઉટલેટને સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
