<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

રાજપીપળા કાછીયાવાડ વિસ્તારમાં પાણીની ૧૫ દિવસથી અછતના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય

રાજપીપળા નગરપાલિકા દ્વારા કોઈ ખાસ કામગીરી નહીં થતા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં જાગૃત યુવાને કરી અરજી ત્યારબાદ થોડીક રાહત મળી

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા નગરપાલિકાના અંધેર વહીવટની એક બાદ એક ફરિયાદ જોવા મળે છે જેમાં ઇન્ચાર્જ મુખ્ય અધિકારીની ઢીલી કામગીરી સામે આવી હોવાનું જાણવા મળે છે, રાજપીપળા વોર્ડ નં. ૧ કાછીયાવાડ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોય રજૂઆત બાદ પણ કોઇ ઉકેલ નહીં આવતા એક જાગૃત યુવાને જિલ્લા સ્વાગતમાં અરજી કરતા આંશિક રાહત થઇ છે પરંતુ સ્થાનિકો હજુ રોગચાળાની દહેશત હેઠળ છે.
     અરજદાર કુલદિપ પદ્મકાંત કાછીયા (રહે.કાછીયાવાડ ગુંદાવાળુ ફળિયુ રાજપીપળા તા.નાંદોદ જિ.નર્મદા )દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરેલ છે.આ અરજીમાં અરજદાર દ્વારા રાજપીપળા વોર્ડ નં.૧માં પાણીની ૧૫ દિવસથી અછત તેમજ સેનીટેશનની કોઈ કાર્યવાહી ન થઇ હોવાનું જણાવેલ છે.આમ, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહેલ છે અને પીવાના પાણીનો નિયમિત પુરવઠો તથા સેનીટેશનની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં ન આવે, તો ભવિષ્યમાં રહેવાસીઓને પીવાના પાણીની ગંભીર અછત, ગંદકીના કારણે મચ્છર તથા અન્ય જીવાતોનો ઉપદ્રવ, દુર્ગંધ, ચેપી અને પાણીજન્ય રોગચાળાના ફેલાવાનો ભય, જાહેર આરોગ્યને ગંભીર જોખમ તેમજ જાહેર શાંતિ અને વ્યવસ્થામાં વિક્ષેપ થવાની સંભાવના રહેલી છે. પરિણામે સામાન્ય જનતાને સતત હાલાકી ભોગવવી પડે અને જાહેર ત્રાસદાયક પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પૂરી શક્યતા છે માટે પાલિકા વિરુધ્ધ યોગ્ય પગલાં ભરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરતા સ્વાગત ફરિયાદ નિવારણ માં આ મુદ્દો લેવાતાં સ્થાનિકોને થોડીક રાહત મળી છે પરંતુ પૂરી કામગીરી હજુ થઈ નથી તેમ અરજદાર કુલદીપભાઈ કાછીયા એ જણાવ્યું હતું.

(11:17 PM IST)