તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
રાજપીપળા દરબાર રોડ લાઇબ્રેરીમાં લાખોના ખર્ચે બનાવેલ પાણીના બોરમાં પાણી ઓછું નિકળતા પાણીની કટોકટી
નવા બોરમાં પાણી ઓછું આવતા આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતા ભર ઉનાળે પાણી માટે વલખાં મારતા લોકો: માલીવાડ વિસ્તાર પાસેનો વાલ બગડતા પાણીના ટેન્કર મંગાવી કામ ચલાવતા લોકો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા નગરપાલિકાના એક બાદ એક છબરડા સામે આવી રહ્યા છે જેમાં સૌથી ખાસ સમસ્યા પાણીની છે સાથે ઘણા વિસ્તારોમાં યોગ્ય સફાઈ નહીં થવાની પણ બૂમ છે.
એક તરફ રાજપીપળા નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે તલપાપડ છે ત્યારે બીજી તરફ પાણી સહિતની સમસ્યાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. રાજપીપળા દરબાર રોડ પર આવેલી પાલિકાની લાઇબ્રેરીમાં બનાવેલા નવા પાણીનો બોર નિષ્ફળ ગયો હોય તેમ જણાય છે કેમ કે અંદરથી તદ્દન ઓછું પાણી મળતા આકરી ગરમીમાં લોકો પાણી વિના બૂમરાણ મચાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સત્તાધીશો ગલ્લા તલ્લા કરી પોતાની ગોદડી સાચવે છે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર તો ક્યારેક જ આવે છે અને પ્રમુખ નવા હોય લોકોની તકલીફ કોણ સમજે અને ક્યારે ઉકેલ લાવશે તેવા સવાલ હાલ પ્રજા પૂછી રહી છે. હાલ તો પાણીની મોકાણ માં ઘણા લોકો ટેન્કર મંગાવી પાણી ભરે છે પરંતુ ક્યાં સુધી આ રીતે લોકો ગાડું ગબડાવશે..? અને હેરાન થશે..?
ચીફ ઓફિસર ઇન્ચાર્જ છે તેઓ અઠવાડિયા માં અમુક દિવસ જ આવે છે જ્યારે પ્રમુખ નવા છે માટે સફાઈ, પાણી સહિતની પાયાની સુવિધાઓથી વેરો ભરતી પ્રજા હેરાન છે.તો આ સ્થિતિ ક્યારે સુધારશે અને રેગ્યુલર ચીફ ઓફિસર ક્યારે મૂકશે..? રાજકીય આગેવાનો પણ આ બાબતે રસ લઈ યોગ્ય કરે તેવી લોક લાગણી છે.
પાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતાએ પાણી બાબતે જણાવ્યું કે હાલમાં જે ફરિયાદ છે તેમાં ટાંકી ઓછી ભરાય છે માટે પાણી ઓછા પ્રેશરથી આવે છે પરંતુ આ માટેના સોલ્યુશનની વાત ચાલે છે, ટૂંક સમયમાં નિરાકરણ આવશે એટલે આ તકલીફ દૂર થશે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
