તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
સુરતમાં ઉપરવાસના ભારે વરસાદથી વિયર કમ કોઝવે ઓવરફ્લો
કોઝવેની સપાટી ૬.૭૯ મીટર નોંધાઇઃ પ૦૭૯પ કયુસેક પાણી વહી રહ્યુ છે

અમદાવાદઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદની અસર હવે સુરત સુધી પહોંચી છે, જેના કારણે રાંદેર-સિંગણપોર વિયર કમ કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોઝવેના આકાશી દૃશ્યો સામે આવતા વરસાદની તીવ્રતાનો સ્પષ્ટ અંદાજ આવી રહ્યો છે. હાલ કોઝવેની સપાટી 6.79 મીટર નોંધાઈ છે અને તેના પરથી 50,795 ક્યુસેક પાણી વહી રહ્યું છે.
ઉપરવાસમાં સતત વરસાદ પડતાં ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 308.76 ફૂટ પર પહોંચી છે, જે હજુ પણ નિર્ધારિત રૂલ લેવલ 333 ફૂટથી નીચે છે. ડેમમાં હાલ 6,293 ક્યુસેક પાણીની નવી આવક થઈ રહી છે. જ્યારે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમમાં 1875.87 એમસીએમ લાઈવ સ્ટોરેજ નોંધાયું છે. પાણીની આવકમાં વધારો થતાં સિંચાઈ અને જળસંગ્રહની દૃષ્ટિએ સ્થિતિ અનુકૂળ બની રહી છે.
બીજી તરફ કાકરાપાર વિયરની સપાટી 160.60 ફૂટ નોંધાઈ છે. જ્યાંથી 3300 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. મોતીચેરની સપાટી 152.80 ફૂટ પર પહોંચી છે અને ત્યાંથી 2454 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કાકરાપાર અને મોતીચેર બંને મળીને હાલ તાપી નદીમાં કુલ 5,754 ક્યુસેક પાણીનો પ્રવાહ પહોંચાડી રહ્યા છે. તંત્ર દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ નદી કિનારે બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
