<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

છઠ્ઠ પૂજા નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય : અમદાવાદ અને રાજગીર વચ્ચે ચલાવાશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

૧૦ નવેમ્બરે અમદાવાદથી ઉપડશે ૦૯૪૨૭/૦૯૪૨૮ નંબરની સ્પેશિયલ ટ્રેન : આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદ સહિતના સ્ટેશનોએ આપાશે રોકાણ

અહમદાબાદ: છઠ્ઠ પૂજાના પવિત્ર તહેવાર દરમિયાન મુસાફરોના વધારાના રશને ધ્યાનમાં રાખીને તથા અતિરિક્ત સુવિધા પૂરી પાડવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને રાજગીર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા સાથે સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (અનામત વગરની) સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમયપત્રક અને ટ્રેનની વિગતો
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર: કરાયેલી વિગતો મુજબ, ટ્રેન નંબર ૦૯૪૨૭ અમદાવાદ–રાજગીર સ્પેશિયલ ટ્રેન આગામી ૧૦ નવેમ્બર ૨૦૨૬ ના રોજ મધ્યરાત્રિ બાદ ૦૦.૫૫ વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે ૧૧.૪૫ વાગ્યે રાજગીર પહોંચશે. વળતા રૂટમાં, ટ્રેન નંબર ૦૯૪૨૮ રાજગીર–અમદાવાદ સ્પેશિયલ ૧૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ બપોરે ૧૪.૪૫ વાગ્યે રાજગીરથી રવાના થઈને બીજા દિવસે રાત્રે ૨૩.૨૫ વાગ્યે અમદાવાદ આવી પહોંચશે.

પ્રમુખ સ્ટેશનો પર રોકાણ:
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ગુજરાતના આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદ ઉપરાંત રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સાર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા જેવા પ્રમુખ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ હોવાથી સામાન્ય મુસાફરોને મોટો લાભ મળશે. ટ્રેનના રોકાણ, સમય અને કોચની વિસ્તૃત માહિતી માટે રેલવે પ્રશાસને નાગરિકોને www.enquiry.indianrail.gov.in પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે.

(9:59 PM IST)