News of Saturday, 11th July 2026
વિધાતાનો આ કેવો ક્રૂર ખેલ! ડમ્પર ચાલકે મહિલાને કચડી, જીવના જોખમે હત્યારા ડ્રાઈવરનો પીછો કરનાર પુત્ર જ્યારે પાછો ફર્યો ત્યારે સામે જ પોતાની સગી જનેતાની લાશ હતી!
વડોદરાના સાવલીમાં હિટ એન્ડ રનની કંપાવનારી ઘટના; અંધારામાં ડમ્પર પકડીને લાવેલા યુવકે અકસ્માત સ્થળે માતાનો ક્ષત-વિક્ષત દેહ જોતા જ ચસકી ગઈ પગ નીચેથી જમીન

વડોદરા : નિયતિ ક્યારે કેવો ક્રૂર વળાંક લેશે તે કોઈ કલ્પી શકતું નથી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા (શિ) ગામ પાસે ગઈકાલે સાંજે એક એવી રૂંવાડા ઊભા કરી દે તેવી અને હૃદયને હચમચાવી મૂકે તેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈ પણ વ્યક્તિની આંખો ભીની થઈ જાય. પુરઝડપે આવી રહેલા એક કાળમુખા હાઈવા ડમ્પરના ચાલકે રસ્તેથી પસાર થઈ રહેલા ૫૯ વર્ષીય એક આધેડ મહિલાને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના ભારેખમ પૈડા ફરી વળવાને કારણે મહિલાનું માથું ગંભીર રીતે છૂંદાઈ ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને બેફામ ડ્રાઈવર ડમ્પર લઈને ડેસર તરફ નાસી છૂટ્યો હતો.
આ ભયાનક અકસ્માત સમયે ત્યાં નજીક જ ઉભેલા અલ્પેશકુમાર પરમાર નામના યુવકે અદ્દભૂત હિંમત અને તત્પરતા દાખવી હતી. તેણે તાત્કાલિક ડેસર તરફથી મોટરસાયકલ લઈને આવી રહેલા ગામના જ રાકેશભાઈ રબારીને રોક્યા, પોલીસને ફોન પર જાણ કરી અને બંને જણા બાઈક પર એ કાળમુખા ફરાર ડમ્પરની પાછળ જીવના જોખમે દોડ્યા. લહેરીપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે ઘાઢ અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટના સહારે તેમણે ડમ્પરને ઓળખી કાઢ્યું અને ફિલ્મી ઢબે ઓવરટેક કરીને બાઈક ડમ્પરની આગળ આડી ઊભી રાખી દીધી હતી. જો કે, પકડાઈ જવાની બીકે ચાલક ડમ્પરને ચાલુ હાલતમાં જ રોડની સાઈડમાં મૂકીને અંધારાનો લાભ લઈ ત્યાંથી કૂદીને ભાગી છૂટ્યો હતો.
માતાના હત્યારાને પકડ્યો, પણ જનેતાને ન બચાવી શક્યો...
ડમ્પર ચાલક ભાગી જતાં અલ્પેશકુમાર પોતે તે ભારેખમ ડમ્પર ચલાવીને પરત અકસ્માતવાળી જગ્યાએ લાવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. પરંતુ વિધાતાનો ખેલ તો જુઓ, જ્યારે અલ્પેશકુમારે ટોળા નજીક જઈને મૃત મહિલાનો ચહેરો જોયો ત્યારે તેના હોશ ઊડી ગયા હતા અને પૃથ્વી ગોળ ફરવા લાગી હતી.
અકસ્માતનો ભોગ બનનાર તે કમનસીબ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ અલ્પેશકુમારના પોતાના જ સગા માતા શારદાબેન ભુપેન્દ્રભાઈ પરમાર હતા! જે માતાના હત્યારાને પકડવા માટે પુત્રએ પોતાની જાનની પરવા કર્યા વગર માઈલો સુધી પીછો કર્યો, તે જ માતાનો છૂંદાયેલો નિપ્રાણ દેહ સામે જોઈને પુત્ર અલ્પેશ ઘટનાસ્થળે જ ધ્રુસકે-ધ્રુસકે રડીને ભાંગી પડ્યો હતો. આ કાળજું ચીરી નાખતું કરુણ દ્રશ્ય જોઈ ત્યાં હાજર રહેલા પથ્થર હૃદયના લોકોની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહી પડ્યા હતા.
આ ગમખ્વાર અને હૃદયદ્રાવક ઘટના બાદ મૃતકના આઘાતગ્રસ્ત પુત્ર અલ્પેશકુમારે નવલસિંહ પરમાર અને તખતસિંહ પરમાર સાથે સાવલી પોલીસ સ્ટેશન પહોંચીને અકસ્માત સર્જનાર અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સાવલી પોલીસે ડમ્પરના નંબરના આધારે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ખૂની ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
