તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ESIC મેડિકલ કૉલેજના નવપ્રવેશિત વિદ્યાર્થીઓની 'વ્હાઇટ કોટ સેરેમની અને ચરક શપથ' સમારોહ યોજાયો
તબીબ બનવું એ માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનો પવિત્ર માર્ગ છે: ડૉ. પ્રદ્યુમન વાજા

અમદાવાદ :શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં અમદાવાદની કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ ખાતે નવો પ્રવેશ મેળવનારા તબીબી વિદ્યાર્થીઓ માટે 'વાઈટકોટ સેરેમની અને ચરક શપથ' કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ડૉ. પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે તબીબ બનવું એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તે અત્યંત મહત્ત્વની અને પવિત્ર જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને સારવાર માટે આવતાં શ્રમિકો અને ગરીબ વર્ગના લોકોની સાથે હૂંફાળા શબ્દો અને સ્મિતથી દર્દીઓની સારવાર કરવા કહ્યું હતું. આનાથી તેમની અડધી બીમારી દૂર જતી હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતમાં ઉત્તરોત્તર નવી મેડિકલ કોલેજો શરૂ થઈ રહી છે. જેથી મેડિકલ ક્ષેત્રે સામાન્ય અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે મેડિકલ ફિલ્ડમાં આવનારા વિદ્યાર્થીઓને વિદેશમાં જવાને બદલે ભારતમાં જ રહીને દેશના લોકોની સેવા કરવા પ્રેરણા આપી હતી અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતમા સંકલ્પમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
નવા પ્રવેશ મેળવનાર તમામ તબીબી વિદ્યાર્થીઓનું વાઈટ કોટ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ 'ચરક શપથ' ગ્રહણ કરી તબીબી ધર્મનું પાલન કરવાની અને નિ:સ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ESICના નોર્થ-વેસ્ટ ઝોનનાં મેડિકલ કમિશનર ડૉ. રચિતા બિશ્વાસ, અન્ય અધિકારીઓ, વરિષ્ઠ ડૉક્ટરો, ફેકલ્ટી મેમ્બર્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
