<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નડિયાદ શહેરના પ્રથમ 'મેયર' કોણ બનશે ?:વિજેતા ઉમેદવારોમાં મેયર પદ મેળવવા લોબિંગ શરૂ: જાણો કોણ હશે મુખ્ય દાવેદારો

ભાજપ મોવડી મંડળ માટે જાતિગત સમીકરણો, જૂથવાદ અને વહીવટી અનુભવ વચ્ચે સંતુલન જાળવવું એ 'કપરા ચઢાણ' સમાન

 નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં 52 માંથી 51 બેઠકો પર કેસરિયો લહેરાવી ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ પ્રચંડ જીત બાદ હવે સૌની નજર શહેરના પ્રથમ 'મેયર' કોણ બનશે તે પ્રશ્ન પર ટકેલી છે. વિજેતા ઉમેદવારોમાં મેયર પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ મોવડી મંડળ માટે જાતિગત સમીકરણો, જૂથવાદ અને વહીવટી અનુભવ વચ્ચે સંતુલન જાળવવું એ 'કપરા ચઢાણ' સમાન સાબિત થઈ રહ્યું છે.

 

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પક્ષ માટે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અજય બ્રહ્મભટ્ટના જૂથો વચ્ચે સંતુલન જાળવવું અત્યંત અનિવાર્ય છે. જો મેયર પદ પંકજભાઈ દેસાઈના જૂથને આપવામાં આવે, તો સ્ટેન્ડિંગ કમિટી કે ડેપ્યુટી મેયરનું પદ બીજા જૂથને ફાળવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. મેયર પદ માટે માત્ર ઉમેદવારની વફાદારી જ નહીં, પરંતુ તેમની શૈક્ષણિક લાયકાત અને જ્ઞાતિ વ્યવસ્થાને આધારે જ અંતિમ નામ નક્કી કરવામાં આવશે.

 

મહાનગરપાલિકા બન્યા બાદ હવે નડિયાદ શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે વહીવટી કુશળતા ધરાવતા નેતાની તાતી જરૂરિયાત છે. હાલમાં ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિજયોત્સવનો માહોલ છે, પરંતુ અંદરખાને પદ મેળવવા માટેના પ્રયાસો ખૂબ તેજ બન્યા છે. નડિયાદના પ્રથમ મેયરનું સત્તાવાર નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ જાહેર થશે, ત્યાં સુધી નડિયાદવાસીઓમાં આતુરતા યથાવત રહેશે.

 

(7:20 PM IST)