<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

પતિ ૪ વર્ષ પછી જેલમાંથી છૂટતા પત્‍નીએ પ્રેમી સાથે સંબંધ તોડયાઃ પ્રેમીએ પ્રેમિકા પાછળ ખર્ચેલા ૮ લાખ માગી બ્‍લેકમેઇલ કરી

અશ્‍લીલ ફોટા વાયરલ કરવાની પ્રેમીએ ધમકી આપતા વસ્ત્રપુરની પરિણીત યુવતીએ હાથની નસ કાપી

અમદાવાદ તા.૧૮: વષાાપુરમાં રહેતી પરિણીત યુવતીનો પતિ ચાર વર્ષ બાદ જેલમાંથી બહાર આવતા યુવતીએ પોતાના પ્રેમી સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. સંબંધ તૂટી જતા પ્રેમીએ છેલ્‍લા ચાર વર્ષમાં યુવતી પાછળ ખર્ચ કરેલા રૂા. ૮,૦૦,૦૦૦ના હિસાબ કાઢી પોતાના રૂપિયા પરત માગ્‍યા હતા અને જો પૈસા ન આપે તો તેના ફોટા તથા વીડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. પ્રેમીના બ્‍લેકમેઇલિગ અને સમાજમાં બદનામીના ડરથી ગભરાઈ ગયેલી યુવતીએ બ્‍લેડ વડે પોતાના હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીની મિત્રે સમયસૂચકતા દાખવી આ મામલે ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનની મદદ માગતા ટીમે ઘટનાસ્‍થળે પહોંચીને બ્‍લેકમેઇલિગ કરનાર પૂર્વ પ્રેમીને કાયદાકીય સમજ આપી મામલો થાળે પાડ્‍યો હતો.

વષાાપુર વિસ્‍તારમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીત યુવતીના પતિની ચાર વર્ષ પહેલાં એક ગુનામાં પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન પતિ જેલમાં હોવાથી યુવતી ઘરે એકલી રહેતી હતી. તે દરમિયાન તે એક યુવકના સંપર્કમાં આવી અને બંને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાયો હતો. છેલ્‍લા ચાર વર્ષથી બંને અવારનવાર બહાર હરવા-ફરવા જતા હતા અને પ્રેમી યુવક પરિણીત યુવતી પાછળ પૈસા ખર્ચતો હતો. તાજેતરમાં જ યુવતીનો પતિ જેલમાંથી છૂટીને ઘરે આવતા યુવતીએ પોતાના સંસારને બચાવવા માટે થઈને પ્રેમી સાથે બોલવાનું બંધ કરી તેની સાથેના સંબંધ તોડી નાખ્‍યા હતા.

અચાનક સંબંધ તૂટી જતા પ્રેમીએ એક કાગળ પર ચાર વર્ષ દરમિયાન યુવતી પાછળ ખર્ચેલા રૂા.૮,૦૦,૦૦૦નો હિસાબ લખ્‍યો અને તે રકમ તેની પાસે પાછી માગી હતી. યુવતીએ પૈસા આપવાનો સ્‍પષ્ટ ઇનકાર કરતા પ્રેમીએ અંગત પળોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. પ્રેમીની ધમકીથી ગભરાઈને માનસિક રીતે ભાંગી પડેલી યુવતીએ બ્‍લેડ વડે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ યુવતીની મહિલા મિત્રને થતા તેણે તાત્‍કાલિક ૧૮૧ પર ફોન કરીને આ અંગેની મદદ માગી હતી.

અભયમની ટીમ તાત્‍કાલિક પીડિતાના સરનામે પહોંચી ગઈ હતી અને યુવતીની પૂછપરછ કરીને પૂર્વ પ્રેમીનું નામ અને સરનામા સહિતની વિગતો મેળવી તેને મળવા બોલાવ્‍યો હતો. પૂર્વ પ્રેમી યુવક અભયમની ટીમને મળવા આવતા ટીમે યુવકનું કાઉન્‍સેલિગ કર્યું હતું અને અભયમની ટીમે પ્રેમીને કાયદાકીય સમજ આપતા જણાવ્‍યું હતું કે, આ રીતે કોઈ યુવતીને બ્‍લેકમેઇલ કરી હેરાન કરવી કે બળજબરીપૂર્વક સંબંધ રાખવા દબાણ કરવું તે ગંભીર ગુનો બને છે. આ ઉપરાંત યુવક પાસે રહેલા યુવતીના તમામ ફોટા તથા વીડિયો તેના મોબાઈલમાંથી કાયમી ડિલીટ કરાવી દીધા હતા તેમજ ભવિષ્‍યમાં પૈસાની કોઈ લેતી-દેતી રાખશે નહીં અને યુવતીનો સંપર્ક પણ નહીં કરે તેવી લેખિત બાંયધરી યુવક પાસે લેવડાવી હતી. આ ઉપરાંત યુવતીને પણ સમજ આપી હતી કે પરિણીત હોઈએ ત્‍યારે આ પ્રકારે કોઈની સાથે સંબંધ રાખવો તે પણ કાનૂની રીતે યોગ્‍ય નથી. આમ અભયમની ટીમે સમગ્ર મામલો થાળે પડાવ્‍યો હતો.(૩૮.૪)

 

 (૩૮.૩)

 

(9:56 AM IST)