તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
શું રાજ્ય સરકાર સાંસદ મનસુખભાઇ વસાવાની રજૂઆતને અવગણે છે ?: જંગલ જમીનનો પ્રશ્ન યથાવત્: સાગબારાના ખેડૂતોમાં રોષ, ખેડાણ માટે કાયમી ઉકેલની માંગ
જ્યારે જંગલ જમીન પર ઉમરપાડા તાલુકાના ખેડૂતોને ખેડાણ માટે છૂટ તો સાગબારા તાલુકાના ખેડૂતોની અટકાયત કેમ

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોનો પ્રશ્ન આજે પણ યથાવત્ રહેતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખોપી, નાલ, હલગામ પાડી, દોધનવાડી, ભાદોડ સહિત અનેક ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીન પર ખેડાણ અને માલિકીના પ્રશ્નના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. અનેક રજૂઆતો, બેઠકો અને સરકારી કક્ષાએ રજૂઆત છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય ન આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમ છતાં ખેડાણ દરમિયાન કાર્યવાહી અથવા અટકાયતનો ભય રહેતો હોવાથી તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ જાહેર કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.
ખેડૂતોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અન્ય વિસ્તારોમાં ખેડાણ અંગે રાહત મળતી હોવાના દાવાઓ વચ્ચે સાગબારા તાલુકાના ખેડૂતોને સમાન રીતે ખેતી કરવાની મંજૂરી કેમ મળતી નથી. આ મુદ્દે ખેડૂતો સરકાર પાસેથી સ્પષ્ટતા અને સમાન નીતિની માંગ કરી રહ્યા છે.
આ પ્રશ્નને લઈને ખેડૂતો દ્વારા અનેક વખત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય સરકાર સુધી પણ પોતાની માંગ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે માત્ર આશ્વાસનોથી પ્રશ્નનો ઉકેલ આવતો નથી, પરંતુ હવે કાયમી નિર્ણય લેવો જરૂરી બની ગયો છે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવવામાં આવે છે. ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પણ ખેડૂતોની વ્યથા રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું ખેડૂતો જણાવે છે. તેમ છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ પરિણામ સામે આવ્યું નથી.
ખેડૂતોનું માનવું છે કે જંગલ જમીનનો પ્રશ્ન માત્ર કાયદાકીય નહીં પરંતુ હજારો પરિવારોના જીવન અને રોજગાર સાથે સીધો જોડાયેલો છે. વરસાદી મોસમમાં સમયસર ખેડાણ ન થઈ શકે તો આખું વર્ષ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સરકાર આ મુદ્દે તમામ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરીને વહેલી તકે ન્યાયસંગત અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષો જૂના આ પ્રશ્નનો ઉકેલ હવે વધુ વિલંબ વિના લાવવો જરૂરી છે. સરકાર, વન વિભાગ અને ખેડૂતો વચ્ચે સંવાદ સ્થાપિત કરીને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે તો લાંબા સમયથી ચાલી આવતી અનિશ્ચિતતાનો અંત આવી શકે છે.
હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર છે. સરકાર આ મુદ્દે શું વલણ અપનાવે છે અને જંગલ જમીન પર ખેતી કરતા ખેડૂતોને ક્યારે રાહત મળે છે તે આવનારા દિવસોમાં ચર્ચાનો મુખ્ય વિષય બનશે. તો શું રાજ્ય સરકાર સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાની રજૂઆત પણ અવગણે છે
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
