<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ગુજરાતમાં આ વર્ષે શિયાળો રહેશે મોડો અને ટૂંકો: જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની તારીખ સાથે મોટી આગાહી, જાણો ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી

અલ નીનો (El Nino) ની અસરોને કારણે આ વર્ષે મહત્તમ તાપમાન ઊંચું રહેવાની સંભાવના: આગામી ૧૫ નવેમ્બર આસપાસથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે છતાં અપેક્ષિત ઠંડીના બદલે બેવડી ઋતુ અને અસહ્ય ગરમી-બફારાનો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વર્ષે મહત્તમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો પરેશાન છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 'મુંબઈ સમાચાર' સાથેની ખાસ વાતચીતમાં શિયાળાની ઋતુ અંગે મહત્વપૂર્ણ અને ચોંકાવનારી આગાહી કરી છે, જે મુજબ આ વર્ષે શિયાળો મોડો શરૂ થશે અને ટૂંકો રહેશે.

 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ અસામાન્ય ગરમી અને મોડા શિયાળા પાછળનું મુખ્ય કારણ 'અલ નીનો' (El Nino) સક્રિય હોવાનું છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું રહેવાને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનું તાપમાન પણ પ્રભાવિત થયું છે, જેના પરિણામે ગુજરાતમાં સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી જેટલું તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. આ કારણોસર સામાન્ય વર્ષોની તુલનાએ આ વર્ષે શિયાળાની ઋતુ ૧૨ થી ૨૦ દિવસ જેટલી ટૂંકી રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆત કે મધ્ય સુધીમાં શિયાળો વિદાય લઈ શકે છે, જ્યારે આગામી ઉનાળો વધુ લાંબો અને આકરો રહેવાની શક્યતા છે.

 

રાજ્યમાં કડકડતી અને વાસ્તવિક ઠંડીની શરૂઆત ક્યારે થશે તેની સ્પષ્ટતા કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ઠંડીની કોઈ શક્યતા નથી. નવેમ્બરની શરૂઆતમાં તાપમાનમાં માત્ર સામાન્ય ઘટાડો જોવા મળશે, જ્યારે ગાત્રો થીજવતી વાસ્તવિક ઠંડી અને કોલ્ડવેવના અસલી રાઉન્ડ આગામી ૧૫ નવેમ્બર આસપાસથી જ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી પસાર થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો દક્ષિણ તરફ સરકે તો શિયાળા દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ (માવઠું) થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

 

ચોમાસા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર (જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર), કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે ઘટ રહી છે, જેને ધ્યાનમાં રાખીને પરેશ ગોસ્વામીએ સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ પણ મૂકી છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોને સત્વરે અછતગ્રસ્ત અથવા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા તેમજ પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સરકારને ભારપૂર્વક અપીલ કરી છે.

(10:49 PM IST)