<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

મૈસરી નદીના નવા પુલના લોકાર્પણના માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ પુલની સુરક્ષા સામે ગંભીર સવાલો થયા

વડોદરાના ડેસરના શિહોરા નજીકથી પસાર થતી મૈસરી નદી પરનો નવો પુલ ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો:પુલની બાજુમાં આવેલી પ્રોટેક્શન વોલ ધસી પડતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા ગામ નજીકથી પસાર થતી મૈસરી નદી પર નિર્મિત નવો પુલ હાલમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. લોકાર્પણના માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ પુલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પુલની બાજુમાં આવેલી  પ્રોટેક્શન વોલ ધસી પડતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ સાવલી-ડેસર પંથકના વાહનચાલકોની સુવિધા માટે આ નવો પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, કુદરતી આફત કે ભારે વરસાદને કારણે નહીં, પરંતુ પ્રથમ વરસાદી ઝાપટાઓમાં જ પુલની સાઈડની પ્રોટેક્શન વોલનું ધોવાણ થતા ત્યાં મોટો ખાડો પડી ગયો છે. આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા પર અનેક સવાલો ખડા કર્યા છે. પુલની બાજુનો ભાગ ધસી પડવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા જોખમાઈ છે.

આ ઘટના બનતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. મહત્વની વાત એ છે કે, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ પુલની કામગીરી અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે અગાઉ જ મુખ્યમંત્રીને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરી હતી. કામગીરી શરૂ હતી ત્યારથી જ ગુણવત્તા બાબતે ઉઠાવવામાં આવેલી શંકાઓ આજે સાચી સાબિત થતી દેખાઈ રહી છે. ધારાસભ્યની ચેતવણી છતાં તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે.

શિહોરા ગામના સ્થાનિક રહીશોનું કહેવું છે કે, જે પુલ હજુ 15 દિવસ પહેલા જ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હોય, તેની આવી દશા થાય તે સીધી રીતે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચાર સૂચવે છે. જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોએ આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

(10:54 PM IST)