તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 16th September 2026
સુરતના નાનપુરામાં વૃદ્ધાની હત્યા કેસમાં મહિલા અને બાળ કિશોર ઝડપાયા :ચોરી-લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપ્યો
વૃદ્ધાએ બુમાબુમ કરતા મહિલાએ તેના માથામાં માર માર્યો અને મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવી હત્યા કરી:પોલીસે આશરે 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા બાદ બંનેને ઝડપી લીધા

સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યાના કેસમાં અઠવાલાઇન્સ પોલીસે મહિલા સહિત એક બાળ કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા વૃદ્ધાનું ઘર જોવાના બહાને અંદર પ્રવેશી હતી અને ચોરી-લૂંટના ઇરાદે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, હત્યાના દિવસે આરોપી મહિલા અને બાળ કિશોર ઘરમાં પ્રવેશ્યા હતા. મહિલા કબાટ ખોલી રહી હતી ત્યારે એકલા રહેતા વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. અચાનક બનેલી ઘટનાથી બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા.
આક્ષેપ મુજબ, વૃદ્ધાની બૂમાબૂમથી ગભરાયેલી મહિલાએ તેના માથામાં માર માર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવી વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બાળ કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આવું ન કરવા માટે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી વૃદ્ધાનું મોત થઈ ગયું હતું.
વૃદ્ધાનું મોત થતાં બંને આરોપીઓ લૂંટ કે ચોરી કર્યા વિના જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આશરે 300 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી મહિલા તથા બાળ કિશોર સુધી પહોંચી ધરપકડ કરી હતી. હાલ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને ઘટનાના સમગ્ર ક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
