તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 12th September 2026
અમદાવાદમાં મહિલા વકીલ પર મરચાંનું પાણી છાંટી લોખંડના સળિયાથી હુમલો કરાયો: 5 પુરૂષો અને 4 મહિલાઓ સામે FIR
અમદાવાદના સરદારનગરમાં AMCમાં દબાણની ફરિયાદ કરી દુકાન સીલ કરાવ્યાની અદાવતમાં મહિલા વકીલ રોશની યાદવ પર મરચાંનું પાણી છાંટી લોખંડના સળિયાથી હુમલો

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં કાયદાનું પાલન કરાવતી મહિલા વકીલ પર જ અંગત અદાવતમાં હિંસક હુમલો થતાં સનસનાટી મચી ગઈ છે. મહિલા વકીલ રોશની યાદવ અને તેમના ભાઈ દમન યાદવ જ્યારે સવારે કોર્ટ જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે ભૈરવનાથ ટ્રેડર્સ પાસે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચાર મહિલાઓ અને પાંચ પુરુષોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, સૌપ્રથમ ચાર અજાણી મહિલાઓએ રોશની યાદવ અને તેમના ભાઈની આંખોમાં મરચાંવાળું પાણી છાંટ્યું હતું. ત્યારબાદ પ્રકાશ બાલાજી ખીજડિયા નામના શખ્સે લોખંડનો સળિયો રોશની યાદવના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ હુમલામાં બ્રિજેશ મારવાડી, કમલેશ મારવાડી, પીઠુઠા મારવાડી અને શંકર મારવાડી નામના શખ્સો પણ લાકડાના દંડા અને હથિયારો સાથે જોડાયા હતા અને ભાઈ-બહેનને નિર્દયતાથી માર માર્યો હતો.આ લોહિયાળ ઘર્ષણ પાછળનું મુખ્ય કારણ એ છે કે મહિલા વકીલ રોશની યાદવે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ગેરકાયદેસર દબાણ અંગે સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે AMC એ આરોપીઓની દુકાન સીલ કરી દીધી હતી, જેનો ખાર રાખીને આ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો.
ઝઘડા અને મારમારી દરમિયાન રોશની યાદવનો રૂ. 20,000ની કિંમતનો રેડમી 13 પ્રો મોબાઇલ તેમજ ગળામાંથી સોનાનો દોરો અને કાનની બે બુટ્ટીઓ ગુમ થઈ ગઈ હતી, જેથી કુલ રૂ. 75,000નું નુકસાન થયું છે. ઘટના સ્થળે પરિજનો અને આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. સરદારનગર પોલીસે પ્રકાશ બાલાજી ખીજડિયા અને મારવાડી જૂથના શખ્સો સહિત ચાર મહિલાઓ સામે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
