<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ:વરિષ્ઠ IAS અધિકારીઓને જિલ્લાવાર મોનિટરિંગની જવાબદારી

338 ટીમો અને 1,334 અધિકારીઓ-કર્મચારીઓ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા સતત કાર્યરત:મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજ સુધી વીજ પુરવઠો પુન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક

દક્ષિણ ગુજરાતમાં તા. 22 અને 23 જુલાઈ, 2026 દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાને કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના વીજ વિતરણ નેટવર્કને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું, જેના પરિણામે અનેક ગામો અને વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તે અનુસંધાને શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS), મેનેજિંગ ડિરેક્ટર, GUVNL તથા પ્રભારી સચિવ (સુરત)ના અધ્યક્ષસ્થાને તા. 24.07.2026ના રોજ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કે.પી. જોશી (IAS), રાજ સુથાર (IAS), શ્રીમતી પ્રીતિ શર્મા (IP&TAFS), ડિરેક્ટર (એડમિન), GUVNL તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS), મેનેજિંગ ડિરેક્ટર, GUVNL તથા પ્રભારી સચિવ (સુરત)ના નેતૃત્વમાં કે.પી. જોશી (IAS) ને નવસારી જિલ્લાની તેમજ રાજ સુથાર (IAS) ને વલસાડ જિલ્લાની વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરીના મોનિટરિંગની, જ્યારે શ્રીમતી પ્રીતિ શર્મા (IP&TAFS), ડિરેક્ટર (એડમિન), GUVNLને સંકલનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે વલસાડ, નવસારી અને સુરત શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તા. 24.07.2026ની વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી માટે DGVCLની 254 ટીમો, કોન્ટ્રાક્ટર એજન્સીની 74 ટીમ, તેમજ PGVCLની 10 ટીમો સહિત કુલ 338 ટીમોમાં 1,334 અધિકારીઓ અને કર્મચારીઓ સતત કાર્યરત છે. નુકસાનગ્રસ્ત વીજ લાઈનો, વીજ થાંભલા, ટ્રાન્સફોર્મરો તથા અન્ય વીજ ઉપકરણોની મરામત અને પુનઃસ્થાપનનું કાર્ય યુદ્ધના ધોરણે સતત ચાલી રહ્યું છે.
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ઉપલબ્ધ તમામ માનવબળ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયોજન મુજબ તા. 24.07.2026ની સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે આ આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ કર્મચારીઓને તેમની કામગીરીમાં સહકાર આપે. તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં તૂટેલા વીજ તાર, નુકસાનગ્રસ્ત વીજ થાંભલા અથવા અન્ય જોખમી વીજ ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવે. વીજ પુરવઠા સંબંધિત કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે કસ્ટમર કેર સેન્ટર નં. 19123 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે

(6:34 PM IST)