તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
નવસારીના ગણદેવીમાં ફેબ્રિકેશનના કામ દરમિયાન જીવંત વીજતાર અડી જતાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત
એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય બે કામદારો વીજ કરંટના કારણે ગંભીર રીતે દાઝી ગયા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી વીજ કરંટ લાગવાના કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું હોવાની આંચકાજનક ઘટના સામે આવી છે. તાલુકાના ધકવાડા ગામે કેટલાક ખાનગી કામદારો ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન નજીકમાંથી પસાર થતો હાઈ-વોલ્ટેજ જીવંત વીજતાર અચાનક લોખંડના માળખા કે સાધન સાથે અડી ગયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તીવ્ર વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.
આ ભયાનક અકસ્માતમાં એટલો જોરદાર કરંટ લાગ્યો હતો કે એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કામ કરી રહેલા અન્ય બે કામદારો વીજ કરંટના કારણે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક રહીશોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ જીવલેણ દુર્ઘટના અંગેની જાણ થતાં જ બીલીમોરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક શ્રમિકના શબને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે જ બીલીમોરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફેબ્રિકેશનના કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે નહીં તે દિશામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
