<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પર નિર્માણધીન સાઈટ પર ક્રેન તૂટતા શ્રમિકનું મોત:એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ

એચ.એન. સફલ ગ્રુપની નિર્માણધીન સાઈટ પર શ્રમિકો ઊંચાઈ પર કામ કરતા હતા ત્યારે ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડ્યો:કેબલ તૂટવાને કારણે ક્રેન સાથે જોડાયેલા બે શ્રમિકો સેંકડો ફૂટની ઊંચાઈએથી સીધા નીચે પટકાયા

અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પર નિર્માણધીન સાઈટ પર ક્રેન તૂટતા શ્રમિકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. એક જાણીતી કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ દરમિયાન ક્રેન તૂટી પડતા બાંધકામ ક્ષેત્રે સુરક્ષાના સાધનો સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આ દુર્ઘટનામાં એક પરપ્રાંતીય શ્રમિકે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

 

અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પર આવેલી એચ.એન. સફલ ગ્રુપની નિર્માણધીન સાઈટ પર આજે સામાન્ય દિવસની જેમ કામગીરી ચાલી રહી હતી. બપોરના સમયે જ્યારે શ્રમિકો ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ક્રેનનો લોખંડી કેબલ તૂટી પડ્યો હતો. કેબલ તૂટવાને કારણે ક્રેન સાથે જોડાયેલા બે શ્રમિકો સેંકડો ફૂટની ઊંચાઈએથી સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નીચે પડતાની સાથે જ એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી સાઈટ પર કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે નાસભાગ અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

 

ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ક્રેનની મિકેનિકલ ખામી અથવા કેબલની જર્જરિત હાલત આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

(6:45 PM IST)