તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ગિફ્ટ સિટીમાં આકાર લેશે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી આધારિત ગોલ્ફ એન્ટરટેઇનમેન્ટ હબ અને વિશાળ ડેસ્ટિનેશન મોલ : સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આયોજનબદ્ધ રોડમેપ તૈયાર
સ્પોર્ટ્સ ગુરુકુલ અને વનગોલ્ફ સાથે ભાગીદારીમાં ઊભું કરાશે આધુનિક કોમ્પ્લેક્સ : મલ્ટી-સ્પોર્ટ એરેના અને ૭.૫ લાખ સ્ક્વેર ફીટનો ભવ્ય મોલ ગિફ્ટ સિટીના વૈશ્વિક અર્થતંત્રને આપશે નવી ઊંચાઈ

ગાંધીનગર: ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) એવા ગિફ્ટ સિટી (GIFT City) માં વૈશ્વિક કક્ષાની આધુનિક સવલતો અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાના ભાગરૂપે આગામી તબક્કાની વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગિફ્ટ સિટી પ્રશાસન દ્વારા વૈશ્વિક કક્ષાના પ્રોફેશનલ્સ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને સ્થાનિક નાગરિકોની સુવિધા માટે ટેકનોલોજી સભર ગોલ્ફ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન, આધુનિક મલ્ટી-સ્પોર્ટ એરેના અને એક વિશાળ ડેસ્ટિનેશન મોલના નિર્માણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ અહીં વસતા અને વ્યવસાય કરતા લોકો માટે કામની સાથે સાથે ઉત્તમ લાઈફસ્ટાઈલ અને મનોરંજનનું આંતરરાષ્ટ્રીય વાતાવરણ પૂરું પાડવાનો છે.
વનગોલ્ફ અને ટીએસજીના સહયોગથી ૮૪ હજાર સ્ક્વેર ફીટમાં ગોલ્ફ હબ બનશે:
ગિફ્ટ સિટીએ આધુનિક ટેકનોલોજી આધારિત ગોલ્ફ એન્ટરટેઇનમેન્ટ હબ વિકસાવવા માટે ‘ધ સ્પોર્ટ્સ ગુરુકુલ’ (TSG) અને ‘વનગોલ્ફ’ (OneGolf) સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. અંદાજે ૮૪,૭૪૪ સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ અત્યાધુનિક કેન્દ્રમાં ૩૫૦ ફૂટની હાઈટેક ડ્રાઇવિંગ રેન્જ, ૨૦ ગોલ્ફ બેઝ અને અદ્યતન કોચિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંકુલ માત્ર રમત પૂરતું સીમિત ન રહેતા કોર્પોરેટ જોડાણો, એક્ઝિક્યુટિવ નેટવર્કિંગ ઇવેન્ટ્સ અને સામુદાયિક પ્રવૃત્તિઓ માટેનું એક પ્રમુખ કેન્દ્ર બનશે. આ હબમાં રિયલ-ટાઇમ શોટ એનાલિટિક્સ, પરફોર્મન્સ મોનિટરિંગ, ડિજિટલ સ્કોરકીપિંગ, વીડિયો પ્લેબેક અને વર્ચ્યુઅલ ગોલ્ફ સિમ્યુલેશન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ગોલ્ફ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન જાન્યુઆરી ૨૦૨૭ની શરૂઆતમાં કાર્યરત થઈ જશે.
સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં મલ્ટી-સ્પોર્ટ એરેના તૈયાર થઈ જશે:
આ પ્રોજેક્ટની સમાંતરે ગિફ્ટ સિટીમાં રમતગમત અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા માટે એક અત્યાધુનિક મલ્ટી-સ્પોર્ટ એરેના વિકસાવવામાં આવી રહ્યું છે, જે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ અદ્યતન એરેનામાં રમતગમતના ચાહકો માટે ૮ પિકલબોલ કોર્ટ, ૨ પેડલ કોર્ટ, ૨ બોક્સ ક્રિકેટ, ૧ બોક્સ ફૂટબોલ, ૧ વોલીબોલ કોર્ટ અને બેઝબોલ પ્રેક્ટિસ માટેની ખાસ સવલતો ઊભી કરાશે. શારીરિક ફિટનેસ માટે અહીં જોગિંગ ટ્રેક અને આઉટડોર જિમ પણ બનાવવામાં આવશે. આ સાથે જ ઓફિસ સમય પછી લોકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈ શકે તે માટે એક કાફે અને મલ્ટિપર્પઝ ઇવેન્ટ વેન્યુ જેવા પૂરક સામાજિક સ્થળો પણ તૈયાર કરવામાં આવશે.
મનોરંજન માટે ૭.૫ લાખ સ્ક્વેર ફીટનો ભવ્ય ડેસ્ટિનેશન મોલ આકાર લેશે:
ગિફ્ટ સિટીના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડમેપને વધુ વેગ આપવા માટે પ્રદેશના સૌથી મોટા રિટેલ અને લાઈફસ્ટાઈલ હબ તરીકે એક ભવ્ય ‘ડેસ્ટિનેશન મોલ’ના નિર્માણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેના માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) પણ બહાર પાડી દેવાયું છે. અંદાજે ૭,૫૦_૦,૦૦૦ સ્ક્વેર ફીટની લઘુત્તમ વિકાસ ક્ષમતા ધરાવતો આ મલ્ટી-યુઝ લાઈફસ્ટાઈલ મોલ આંતરરાષ્ટ્રીય કક્ષાનો હશે. જેમાં પ્રીમિયમ રિટેલ શોપ્સ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના ફૂડ એન્ડ બેવરેજીસ આઉટલેટ્સ, મનોરંજન ઝોન, ફેમિલી રિક્રિએશન ફેસિલિટીઝ અને અત્યાધુનિક સિનેમા હોલ (મલ્ટિપ્લેક્સ) જેવી હાઈ-એન્ડ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પો ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરની નાણાકીય સંસ્થાઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને ફિનટેક ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિકો માટે એક આદર્શ અને સર્વશ્રેષ્ઠ સિટી ઇકોસિસ્ટમ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
