તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
વિશ્વપ્રસિદ્ધ કચ્છના રણોત્સવે સર્જ્યો નવો રેકોર્ડ: એક જ વર્ષમાં ૧૦ લાખથી વધુ પ્રવાસી ઉમટ્યા, સ્થાનિક કારીગરો-સ્ટોલધારકોને કરોડોની બમ્પર આવક!
વિધાનસભામાં રજૂ થયા સત્તાવાર આંકડા: પ્રવાસીઓની સંખ્યામાં ૪ ટકાનો વધારો, એક જ સીઝનમાં ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલધારકોએ રૂ. ૧૪ કરોડથી વધુનો બિઝનેસ કર્યો.

ગાંધીનગર, તા.૧૦: ગુજરાતની શાન અને પ્રવાસન ક્ષેત્રનું ગૌરવ ગણાતો કચ્છનો રણોત્સવ હવે માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યો છે. ૧૫મી વિધાનસભાના નવમા સત્ર દરમિયાન ભુજના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે રણોત્સવની સફળતા અને તેનાથી થયેલી કરોડો રૂપિયાની કમાણીના આંકડા જાહેર કર્યા છે.
૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ માણી સફેદ રણની મજા
સરકારે આપેલી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં કુલ ૧૦,૪૧,૬૯૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે પ્રવાસીઓની સંખ્યામાં આશરે ૩.૯૭ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સફેદ રણમાં ચાંદની રાત્રે ઊંટ સવારી, પેરામોટરિંગ, એટીવી રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશ-વિદેશના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા છે.
રણોત્સવ ૨૦૨૫-૨૬ના મુખ્ય આંકડા:
• કુલ પ્રવાસીઓ: ૧૦,૪૧,૬૯૪ (૩.૯૭% નો વધારો)
• ક્રાફ્ટ સ્ટોલધારકોની આવક: રૂ. ૧૨.૧૧ કરોડ (કચ્છી હસ્તકળા અને હેન્ડીક્રાફ્ટ)
• ફૂડ સ્ટોલધારકોની આવક: રૂ. ૨.૧૩ કરોડ (સ્થાનિક વાનગીઓ)
• કુલ વેપાર: રૂ. ૧૪.૨૪ કરોડથી વધુ
આગામી રણોત્સવ ૧૨૭ દિવસ સુધી ધમધમશે
કચ્છના ધોરડો ગામે યોજાતો આ ભાતીગળ સાંસ્કૃતિક મહોત્સવ સ્થાનિક રોજગારી અને કચ્છી હસ્તકળાને નવું જીવન આપી રહ્યો છે. કચ્છી ભરતકામ, હસ્તકળા અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ્સથી સ્થાનિક કારીગરોને મોટો આર્થિક ટેકો મળ્યો છે.
પ્રવાસીઓના ભારે ઉત્સાહને ધ્યાનમાં રાખીને સરકારે જાહેરાત કરી છે કે આગામી કચ્છ રણોત્સવ ૨૦૨૬-૨૭ કુલ ૧૨૭ દિવસ સુધી યોજાશે, જે ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૭ માર્ચ ૨૦૨૭ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
