<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

વિશ્વ દ્રષ્ટિ દિવસ : ગુજરાતમાં વર્ષ-૨૦૩૦ સુધીમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૦% કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક

૪૦થી વધુ વયના નાગરિકો માટે ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગ : રૂ.૬૦ થી ૮૦ હજારની મોતિયાની ફેકો સર્જરી સરકારી હોસ્પિટલોમાં મફત : અમદાવાદ સિવિલ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં અંધત્વનો દર હાલના ૦.૨૫ ટકાથી ઘટાડીને વર્ષ-૨૦૩૦ સુધીમાં ૦.૨૦ ટકા કરવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડ સંકુલ ખાતે ૨૭મા વિશ્વ દ્રષ્ટિ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં નેત્ર આરોગ્ય સંબંધિત ડેટા એન્ટ્રી અને ટ્રેકિંગ માટે 'NPCBVI મોડ્યુલ'નું પણ અનાવરણ કરાયું હતું.

૪૦ વર્ષથી વધુ વયના નાગરિકોનું ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગ:
ઉંમર વધવાની સાથે મોતિયા અને ગ્લુકોમા જેવી બીમારીઓનું જોખમ વધતું હોવાથી ૪૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની આંખોની તપાસ માટે ત્રિ-સ્તરીય કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ કાર્યક્રમ શરૂ કરાયો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વહેલા નિદાન દ્વારા દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ ઘટાડી સમયસર સારવાર પૂરી પાડવામાં આવશે.

રૂ.૬૦ થી ૮૦ હજારની મોતિયાની સારવાર વિનામૂલ્યે:
“મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ હેઠળ ખાનગી હોસ્પિટલમાં રૂ.૬૦ થી ૮૦ હજારના ખર્ચે થતી હાઇડ્રોફોબિક નેત્રમણિ (IOL) સાથેની અત્યાધુનિક ફેકોઇમલ્સિફિકેશન સર્જરી સરકારી હોસ્પિટલોમાં મફત કરી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના 'રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન' હેઠળ મોતિયાના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.

બાળકો માટે ડિજિટલ ટ્રેકિંગ અને ૨૦-૨૦-૨૦ નિયમ:
RBSK 2.0 હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકોની આંખની તપાસ, મફત ચશ્માં અને સારવારની વિગતોને TECHO+ પોર્ટલ સાથે જોડી ડિજિટલ મોનિટરિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમથી આંખોને બચાવવા દર ૨૦ મિનિટે ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર જોવાનો ‘૨૦-૨૦-૨૦’ નિયમ અપનાવવા તથા પૌષ્ટિક આહાર લેવા સલાહ અપાઈ છે. આ વર્ષે "Love Your Eyes" ની વૈશ્વિક થીમ અને “It’s not just sight, It’s entire future” ના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

(2:42 PM IST)