તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
સુરતવાસીઓની ચિંતા વધી: તાપી નદીમાં મગર દેખાતા વન વિભાગે અત્યાધુનિક રેસ્ક્યુ કિટ સજ્જ કરી
સુરત શહેરમાંથી વહેતી તાપી નદીના કોઝવે વિસ્તારમાં મગરોની સતત હિલચાલ અને માછીમારોની જાળમાં મગર ફસાવાની ઘટનાઓ સામે આવ્યા બાદ નાગરિકોમાં ફેલાયેલા ભયને દૂર કરવા માટે વન વિભાગ દ્વારા વિશેષ રેસ્ક્યુ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.

સુરત : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના પટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મગરો જોવા મળવાની ઘટનાઓ વધી છે, જેમાં ગત મહિને માછીમારી દરમિયાન નદીમાં જાળમાં મગર ફસાઈ જવાની પુષ્ટિ થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને તાપી નદીમાં મગરોની સક્રિયતા વધી હોવાની માહિતી મળતા વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
ઘટનાની વિગતો આપતા વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરતમાં સામાન્ય રીતે મગરોનો કુદરતી વસવાટ ન હોવાથી અગાઉ વિભાગ પાસે પૂરતા સાધનો ઉપલબ્ધ નહોતા, પરંતુ તાજેતરના વીડિયો અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા અત્યાધુનિક રેસ્ક્યુ કિટ વસાવી લેવામાં આવી છે, જેમાં કેપ્ચર લૂપ, સ્પેશિયલ ટ્રેપ (પાંજરું), મજબૂત દોરડા, હાર્નેસ, નેટ અને મગરની આંખ ઢાંકવાના કવર સાથે બચાવ ટીમના રક્ષણ માટે હેલ્મેટ, ગ્લવ્ઝ અને ગમબૂટ જેવા પીપીઈ કવચનો સમાવેશ થાય છે.
આ સ્થિતિને કારણે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો અને સવારે ચાલવા જનારા નાગરિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, અને વન વિભાગ દ્વારા નદી કિનારે સતત મોનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં મગરને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય સ્થાને ખસેડી શકાય.
ભૂતકાળમાં પણ સુરત અને આસપાસના જળશ્રોતોમાં ક્યારેક જંગલ વિસ્તારમાંથી નદીઓ મારફતે મગરો આવી ચડવાના બનાવો બન્યા છે, ત્યારે હાલની આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વસવા માટે વન વિભાગની આ સજ્જતાથી આગામી સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે અને કોઈ મોટી દુર્ઘટના ટળી શકશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
