<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ઓરિસ્‍સાથી ૨૦.૨૦૦ કિલો ગાંજો રાજકોટ લઇ જતો યુવક ઝડપાયો

મહારાષ્ટ્રના યુવકે રાજકોટના મિત્ર પાસે આર્થિક મદદ માગતા ગાંજાની હેરાફેરીમાં ધકેલી દીધો : ગાંજાનો જથ્‍થો મંગાવનાર રાજકોટના રહેવાસી શુભમ પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ

અમદાવાદ તા.૧૪: મહારાષ્ટ્રના યુવકે રાજકોટના મિત્ર પાસે આર્થિક મદદ માગતા રાજકોટના મિત્રે મિત્રને ગાંજાની હેરાફેરીમાં ધકેલી દીધો હોવાનો બનાવ સામે આવ્‍યો છે. રાજકોટના મિત્રે હાલ મારી પાસે રૂપિયા તો નથી પરંતુ એક કામ કરીશ તો રૂપિયા મળશે તેમ કહીને યુવકને ગાંજાની હેરાફેરીમાં સપડાઈ દીધો હતો. આર્થિક જરૂરિયાતના લીધે યુવક મહારાષ્ટ્રથી ઓરિસ્‍સા ગયો હતો. ઓરિસ્‍સાથી બે શખ્‍સોએ યુવકને એક બેગમાં રૂ.૧૦.૧૧ લાખની કિમંતનો ૨૦ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્‍થો આપીને રાજકોટમાં ડિલિવરી આપવાનું જણાવ્‍યું હતું. ત્‍યારબાદ યુવક ૨૦ કિલો ૨૦૦ ગાંજો બેગમાં લઈને ઓરિસ્‍સાથી ટ્રાવેલ્‍સમાં અમદાવાદ આવ્‍યો હતો અને રાજકોટ જવા સારું એસીપી રિગ રોડ નજીક વટવા રોપડા ચાર રસ્‍તા પાસેથી લાખો રૂપિયાના ગાંજાની બેગ લઈને પસાર થતો હતો. આ બાબતની જાણ વટવા પોલીસને થતા જ ઇન્‍સ્‍પેક્‍ટર અનિલ વછેટા તેમની ટીમના પીએસઆઈ એન.કે જાડેજા સહિતના પોલીસકર્મીઓ વટવા રોપડા ચાર રસ્‍તા વોચમાં ગોઠવાઈ ગયા હતા. બાતમી અનુસાર બેગ લઈને આવી રહેલા યુવકને રોકીને તેની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી વનસ્‍પતિ જન્‍ય ગાંજો મળી આવ્‍યો હતો. ત્‍યારબાદ પોલીસે ગાંજાના જથ્‍થા સાથે આરોપી નાઝીમઅહમદ અબ્‍બાસ શાહ (ઉ.૩૬.રહે.મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.

 આરોપીની સઘન પૂછપરછ કરતા પોલીસને હકીકત જાણવા મળી કે આરોપી વર્ષ અગાઉ સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ત્‍યાં તેની સાથે કામ કરતો સહકર્મી હિરેન સાથે તેની ઓળખાણ થયેલી હતી. અને તેના થકી રાજકોટના શુભમ પરમાર સાથે પરિચય થયો હતો. છેલ્‍લા એકાદ મહિના પહેલા આરોપીને રૂપિયાની જરૂરિયાત ઊભી થઇ હતી. એટલે તેણે મિત્ર શુભમને મદદ કરવાનું કહ્યું હતું. પરંતુ શુભમે હાલ રૂપિયા નથી પણ હું તને એક કામ આપું તે તું કરીશ તો તને રૂપિયા મળશે તેમ શુભમે આરોપી નાઝીમઅહમદને કહ્યું હતું. આથી આરોપી કામ કરવા માટે તૈયાર થઇ ગયો હતો. ત્‍યારબાદ શુભમે આરોપીને ઓરિસ્‍સા ખાતે રહેતા દિબાન મુનીનો મોબાઈલ નંબર આપ્‍યો હતો અને જણાવ્‍યું કે તું ઓરિસ્‍સા પહોંચી જાય એટલે આ ભાઈને ફોન કરી દેજે અને તે તને ગાંજાના પેકેટ આપશે તે લઈને તારે રાજકોટ ખાતે હું કહીશ ત્‍યાં મને આપી દેવાના છે. આ કામના તને એક ટ્રીપના રૂ.૧૦ હજાર મળશે આથી આરોપી નાઝીમઅહેમદ ગાંજાનો જથ્‍થો લઈને ઓરિસ્‍સાથી રાજકોટ આવવા સારું નીકળ્‍યો હતો. ને વટવાના રોપડા ચાર રસ્‍તા પાસે પોલીસના હાથ ઝડપાઈ ગયો હતો. આ અંગે વટવા પોલીસે આરોપી નાઝીમઅહેમદની ૨૦ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે ધરપકડ કરીને ગાંજાનો જથ્‍થો મોકલનાર દીબાન મુની, મુકેશ (બંને રહે.બરમુડા, ભુવનેશ્વર ઓરિસ્‍સા) તથા ગાંજાનો જથ્‍થો મંગાવનાર રાજકોટના રહેવાસી શુભમ પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધી ત્રણેય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

(10:05 AM IST)