તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
સુરતના કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ :ફાયર બ્રિગેડના જવાનોએ જીવ બચાવ્યો
ફાયરના જવાનોએ તાપી નદીના ઊંડા પાણીમાં ઉતરીને ડૂબી રહેલા યુવકને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

સુરતમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે જીવન ટૂંકાવવા માટે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી યુવકને સહી-સલામત બહાર કાઢી લેતા તેની જિંદગી બચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, 25 વર્ષીય એક યુવકે કોઈ અગમ્ય કારણોસર શહેરના કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીના પ્રવાહમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને નદીમાં કૂદતો જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરી હતી.
ટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાનો રિંગ બોયા અને લાઈફ જેકેટ સહિતના રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરના સાહસિક જવાનોએ તાપી નદીના ઊંડા પાણીમાં ઉતરીને ડૂબી રહેલા યુવકને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.
બહાર કાઢ્યા બાદ યુવકની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને તેને અશ્વિનીકુમાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ યુવકે કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલમાં પોલીસે યુવકના પરિવારનો સંપર્ક કરી તેના આપઘાતના પ્રયાસ પાછળના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડની આ ત્વરિત કાર્યવાહીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
