તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
સુરતમાં પ્રેમસંબંધની આશંકામાં આઝાદનગરમાં જાહેરમાં ઘાતક હથિયારો વડે યુવકની હત્યા
ચકચાર જગાવનારા આ કેસમાં ખટોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી: મુખ્ય સૂત્રધાર સહિત 5 શખ્સોની ધરપકડ કરી:ઝડપાયેલા આરોપીઓમાંથી 4 સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા

સુરત :શહેરમાં વધુ એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં 2 દિવસ પહેલા એક યુવકનું જાહેરમાં ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. મૃતક યુવકની ઓળખ સન્ની તરીકે થઈ છે. યુવક પર જૂની અદાવત અને શંકાના આધારે આ ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહીશો પણ આ લોહિયાળ ખેલ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટના પાછળ પ્રેમસંબંધની આશંકા મુખ્ય કારણ બની છે. આરોપી શાહિદ શેખને એવી શંકા હતી કે તેની ભત્રીજી સાથે સન્નીનો પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. આ આશંકાના કારણે તે સન્ની પર ભારે ગુસ્સે ભરાયો હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને સન્નીને રસ્તામાં ઘેરી લીધો હતો. આરોપીઓએ લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયારોથી સન્ની પર તૂટી પડીને જીવલેણ ઘા ઝીંક્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ચકચારી હત્યાકાંડની જાણ થતાં જ ખટોદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કડક નાકાબંધી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને પોલીસે મુખ્ય આરોપી શાહિદ શેખ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં જાવેદ નવાબ, હંસરાજ કુશવાહ અને શાકિબ મણિયારનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સમગ્ર મામલે માહિતી આપતાં એસીપી એન.પી. ગોહિલે જણાવ્યું કે ઝડપાયેલા 5 પૈકી 4 આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપી હંસરાજ કુશવાહ સામે ભૂતકાળમાં તડીપારની કડક કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આ તમામ શખ્સો માથાભારે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
