તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
વડગામના થલવાડા ગામે નજીવી બાબતે યુવકની હત્યા: પરિજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર
યુવકના મોતની ખબર ફેલાતા જ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં માત્ર નજીવી બાબતે થયેલા વિવાદમાં એક યુવકની પાઇપો વડે ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે. સોરમ સિપાઈ નામના યુવક પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે અને મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગામમાં આવેલી એક મટન શોપની ગંદકી અને પક્ષીઓના પીંછા ઉડીને ઘાસચારામાં આવતા હતા. સોરમભાઈ આ બાબતે મટન શોપના સંચાલકોને રજૂઆત કરવા ગયા હતા કે આ ગંદકીને કારણે પશુઓના ઘાસચારામાં મુશ્કેલી પડે છે. આ સામાન્ય વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.
આરોપો મુજબ, ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈને સોરમભાઈ સિપાઈ પર લોખંડની પાઇપો વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તેમને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં સોરમભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. એક જાગૃત નાગરિક તરીકે ગંદકી દૂર કરવાનું કહેવું સોરમભાઈ માટે કાળ સાબિત થયું.
યુવકના મોતની ખબર ફેલાતા જ વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ન્યાયની માંગ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યાં સુધી હત્યા કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ મામલે વડગામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે. નજીવી બાબતે એક યુવકે જીવ ગુમાવતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
