<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ઈસુને મળવાના નામે ૧૯૦ બાળકોને ભૂખ્યા મારી નાખનાર નરાધમ પાદરીને ૨૦૦ વર્ષની ભયાનક કેદ

'ઉપવાસ કરો ને પ્રભુને મળો'ની અંધશ્રદ્ધા ફેલાવી માસૂમોનો ભોગ લેનાર રાક્ષસી પાદરી પર કોર્ટનો આકરો કોરડો

નવી દિલ્હી: 'ઉપવાસ કરશો તો ઈસુ ખ્રિસ્તને મળી શકશો' તેવી ભયાનક અને ઝેરી અંધશ્રદ્ધા ફેલાવીને ૧૯૦થી વધુ નિર્દોષ અને માસૂમ બાળકોને ભૂખે મારી નાખનારા પાદરીને અદાલતે ૨૦૦ વર્ષની સખત કેદની સજા ફટકારી મોટો ધડાકો કર્યો છે. સ્વર્ગના ઝાંસા આપીને નાના નાના બાળકોને મોતની ધકેલી દેનારા આ જલ્લાદ પાદરીના પાપનો ઘડો ભરાઈ જતાં અદાલતે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ કાળજું કંપાવી દેનારી અંધશ્રદ્ધા અને માસૂમોના નર સંહારના સમાચાર બહાર આવતા જ સમગ્ર વિશ્વમાં ભારે અરેરાટી સાથે છાતીના પાટિયા બેસી ગયા છે.

પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી અને તેના 25 સાથીદારોએ એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ 2023 પહેલા વિશ્વનો અંત આવી જશે અને સ્વર્ગમાં જવું હોય તો ઉપવાસ કરવા પડશે. પાદરીએ લોકોને એવું કહીને ભોળવ્યા હતા કે જો તેઓ ભૂખ્યા રહીને ઉપવાસ કરશે તો તેમને ભગવાન ઈસુ ખ્રિસ્તના દર્શન અને મુલાકાત થશે.

આ પાખંડના ભાગરૂપે સૌથી પહેલા બાળકો પાસે લાંબા ઉપવાસ કરાવવામાં આવ્યા અને તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા. બાળકોના મૃત્યુ બાદ યુવાનો અને મહિલાઓને પણ આ જ રીતે મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા. આ કરૂણ ઘટનામાં ભોગ બનનાર 161 પીડિતોની ઉંમર આશરે 9 વર્ષની હતી, જ્યારે 22 બાળકોની ઉંમર 10થી 13 વર્ષ અને પાંચની ઉંમર 14થી 16 વર્ષની વચ્ચે હતી. અનેક બાળકો હજુ પણ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

કેન્યાના મોમબાસાની હાઈકોર્ટના મહિલા જજ ડાયના કાવેદઝાએ આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થાય છે તેવો ભ્રમ વધુ ન ફેલાય તે માટે દોષિત પાદરીને ફાંસીને બદલે આજીવન કેદ સમાન આકરી સજા આપવી યોગ્ય છે. કોર્ટે પાદરી પૌલ અને તેના સાથીદારોને હત્યા અને માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવીને 200 વર્ષની લાંબી જેલની સજા ફટકારી છે.

(5:01 PM IST)