News of Friday, 17th May 2024
World Hypertension Day: વધારે પડતું ટેંશન મોતને આમંત્રણ આપે છે

નવી દિલ્હી: અદ્યતન જીવનશૈલીને કારણે સ્ટ્રેસ મહદ્અંશે પ્રત્યેક વ્યક્તિના જીવનનો હિસ્સો બની ચૂક્યો છે. સ્ટ્રેસને કારણે હાઇપર ટેન્શનના દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. અગાઉ યુવાનો અને વિદ્યાર્થીઓમાં હાઈપર ટેન્શનનું પ્રમાણ નહીંવત્ હતું. પરંતુ હવે યુવાનો, વિદ્યાર્થીઓમાં હાયપર ટેન્શનનું પ્રમાણ વધી ગયું છે. આજે (17મી મે) વર્લ્ડ હાઈપર ટેન્શન ડે છે, ત્યારે હાઇપર ટેન્શનના વધતાં દર્દીઓ ચિંતાના વિષય સમાન છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં હૃદયરોગનો હુમલો આવવાના કેસ વધારે જોવા મળ્યા છે અને તેમાં પણ મોટાભાગના કેસમાં હાઈપર ટેન્શન જવાબદાર રહ્યું છે. ડોક્ટરોના મતે કોરોના બાદ નોકરી, વ્યવસાયને લગતી સમસ્યામાં વધારો થતાં હાઈપર ટેન્શનના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, આજે પણ હાઇપર ટેન્શન અંગે જાગૃતિનો અભાવ છે અને જેના કારણે તેના લક્ષણો હોવા છતાં સમયસર તેની સારવાર કરાવનારાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ડોક્ટરોના મતે હાઈપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન છે. અનેક લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા હોવા છતાં તેનાથી વાકેફ નહીં હોવાથી તેની અવગણના કરે છે. જેના કારણે હાઇપર ટેન્શનનું પ્રમાણ વધી જાય ત્યારે દર્દીની ગંભીર સ્થિતિ થઇ જવાના કિસ્સા અવાર-નવાર જોવા મળે છે. હાઈપર ટેન્શન માટે સ્ટ્રેસ ઉપરાંત લાઇફસ્ટાઇલ, ભોજનમાં મીઠાનું વધુ પડતું સેવન, ફાસ્ટફૂડ, કસરતનો અભાવ, અનિયમિત જીવનશૈલી જેવા મહત્ત્વના પરિબળો છે. અગાઉ 40થી વધુ વયમાં હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઇ રહી છે અને 20થી 40ના વયજૂથમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે. હવે 20થી 30ની વયજૂથ તેમજ મેડિકલ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં પણ હાઈપર ટેન્શન જોવા મળી રહ્યું છે, આ એક ચિંતાજનક તારણ છે. ભારતની ત્રીજા ભાગની વસતીને હાઈ બ્લડ પ્રેશર હોય છે. આ પૈકીના પાંચ ટકા દર્દી 20થી 30ની વયજૂથના હોય છે. આ પ્રમાણ અગાઉ માત્ર બે ટકા હતું.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
