News of Wednesday, 29th May 2024
કોરોના જેવી મોટી મહામારી આવવાની વાતને લઈને બ્રિટિશ વિજ્ઞાનીઓએ આપી ચેતવણી

નવી દિલ્હી: કોરોના બાદ વિશ્વમાં ફરી વધુ એક મહામારી આવવાની તૈયારીમાં છે. આ અંગે બ્રિટિશ વિજ્ઞાનીએ એક ચેકવણી જાહેર કરતાં કહ્યું હતું કે, આવનારી સરકારે તેના પર ધ્યાન આપવાની જરુર છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, આવી મહામારીનો સામનો કરવા માટે વિશ્વ હજુ તૈયાર નથી. એટલે તેના માટે અત્યારથી જ તૈયારી કરી દેવી જોઈએ. આ માહિતી તાજેતરમાં બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત થઈ હતી. બ્રિટિશ વિજ્ઞાની પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં આ મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની સલાહકાર રહી ચૂક્યા છે. તેમના કહેવા પ્રમાણે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે. બ્રિટિશ વેબસાઈટમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ મુજબ પેટ્રિકે કહ્યું કે, જે પ્રકારે કોરાનામાં દવાઓ, રસી અને સારવારના કારણે કોરોનાને રોકવું શક્ય બન્યું, તે પ્રકારે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ આપણે દરેક તૈયારીઓ કરવી પડશે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે, આપણે જોખમોને વહેલી તકે શોધવા માટે તંત્ર દ્વારા વધુ સારી દેખરેખ વ્યવસ્થા બનાવવાની જરૂર છે. પેટ્રિક વેલેન્સ કોરોના દરમિયાન કડક પગલાં લેવા માટે જાણીતા છે. તેઓ 2018 થી 2023 સુધી બ્રિટનના મુખ્ય વિજ્ઞાની સલાહકાર રહ્યા છે. તેમણે કોરોના કાળ દરમિયાન બ્રિટિશ સરકારને કોરોના સામે નીતિઓ બનાવવામાં મદદ કરી હતી.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
