<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જાણો શું કામ કેન્યાની સરકારે 6 મહિનામાં 10 લાખ ભારતીય કાગડાઓને મારી નાખવાનો આદેશ કર્યો

નવી દિલ્હી: કેન્યા સરકારે 6 મહિનામાં 10 લાખ ભારતીય કાગડાઓને મારી નાખવાનો આદેશ કર્યો છે. કેન્યા વન્યજીવન સેવા(KWS)ના કહેવા મુજબ 'ઇન્ડિયન હાઉસ ક્રો' વિદેશી પક્ષી છે. જે ઘણાં દશકોથી અહીં રહેતા લોકોને હેરાન કરી રહ્યા છે. કેન્યા વન્યજીવન સેવાએ 2024ના અંત સુધીમાં કેન્યાના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 10 લાખ કાગડાઓને મારવાની જાહેરાત કરી છે. કાળા કાગડાઓ ભારતીય મૂળના પક્ષી છે. જે 1940ની આસપાસ પૂર્વી આફ્રિકાથી અહીં પહોચ્યા હતા. ત્યારથી તેમની સંખ્યા સતત વધી રહી છે. તેઓ આક્રમક પણ બનતા જાય છે. કેન્યા સરકારનું કેહવું છે કે આ વિદેશી કાગડાઓને લીધે પ્રાદેશિક પક્ષીઓની સંખ્યા ખુબ ઓછી થઇ ગઈ છે. જેમાં ભીંગડાંવાળું બબુલ પક્ષી(સ્કેલી બબ્લર્સ), સફેદ-કાળા કાગડા (પાઈક ક્રોજ), ઉંદરના રંગના સુરજ પક્ષી(માઉસ-કલર્ડ સનબર્ડ), નાના ચળકાટ રંગીન પક્ષીઓ(કોમન વેક્સીબીલ્સ) અને પાણી પાસે રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે.

કાગડાઓને સિલોન કાગડા, કોલંબો કાગડા, અને ગ્રે નેકડ કાગડાના નામ પરથી પણ ઓળખાય છે. આ કાગડાઓ બહુ મોટા કે નાના હોતા નથી. તેમની લંબાઈ 40 સેન્ટીમીટરની આસપાસ હોય છે. તેમની ખાસિયત માથું, ગળું અને છાતી કાળા અને ચમકદાર હોય છે. ગરદન અને છાતી નીચેનો ભાગ આછો ભુરો હોય છે. પાંખ, પૂછ અને પગ કાળા રંગના હોય છે. વિસ્તાર મુજબ રંગમાં ફેરફાર દેખાઈ શકે છે.

આ કાગડાઓ મુખ્યત્વે દક્ષિણ એશિયામાં જોવા મળે છે. તે મૂળ રૂપથી નેપાળ, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, દક્ષિણ મ્યાનમાર, દક્ષિણ થાઈલેન્ડ અને ઈરાનના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. સન 1897 ની આસપાસ જહાજો દ્વાર પૂર્વી આફ્રિકા(ઝાંઝીબારની આસપાસ) અને સુદાન બંદરના વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા. યુરોપમાં 1998માં આ કાગડાઓ નેધરલેંડમાં પહોચ્યા હતા. અમેરિકાના ફ્લોરીડામાં પણ આ પક્ષીઓ દેખાયા હતા. તેઓ મોટાભાગે ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી દરેક જગ્યાએ મનુષ્યોની આસપાસ રહે છે. સિંગાપુરમાં દરેક ચોરસ કિલોમીટરમાં 190 કાગડાઓ હતા. ત્યાં તેમની સંખ્યાને ઓછી કરવામાં આવી રહી છે.

(5:53 PM IST)